Wednesday, July 26, 2017

અમદાવાદ...

ચાંદ ઉપર પણ લોકો જઈ ને આયા
તને ચાંદખેડા માં ક્યાં શોધું...?

અવઢવમાં હું રહું
તને ઓઢવમાં ક્યાં શોધું...?

વાડ જ નથી રહી કોઈ
વાડજમાં ક્યાં શોધું...?

સેટેલાઇટ બનીને
તુ ફરતો રહે નભમાં,
મિથ્યા હું ફરતો તુજને
સેટેલાઇટમાં ક્યાં શોધું...?

બે પલની શાંતિ નથી
બોપલમાં ક્યાં શોધું...?

એટીએમમાં તુ મળતો નથી
સીટીએમમાં ક્યાં શોધું...?

ગોતું તોય મળતો નથી
ગોતામાં ક્યાં શોધું...?

થઈ તેજ પણ પહોંચું નહી
થલતેજમાં ક્યાં શોધું...?

વટવાળો છે તુ માન્યું પણ
કહે વટવામાં ક્યાં શોધું...?

તારા સરખો જ તારો પડછાયો કોઈ
સરખેજમાં ક્યાં શોધું...?

શાહી તારા હર બાગ, તને શાહીબાગમાં ક્યાં શોધું...?

ના રોડા કોઈ રોકે પણ
નરોડામાં ક્યાં શોધું...?

પુર "સરસ" હોય કે "દરિયા"
તને" ગોમતી" માં ક્યાં શોધું...?

દરવાજા "લાલ" હોય કે "ત્રણ",
તને "દિલ્હી"માં
ક્યાં શોધું...?

સોલ ને પામવાની આ સફર,
તને સોલામાં ક્યાં શોધું...?

ના કોલ તુ મારા ઉપાડે
તને નિકોલમાં ક્યાં શોધું...?

હર ઘાટના પાણી પીધા ને
ચાંદ પર પણ જઈ આવ્યો,

કહે તને ઘાટલોડિયા ને
ચાંદલોડિયામાં ક્યાં શોધું...?

કાંકરા રહયા તારી રાહમાં
તને કાંકરિયામાં ક્યાં શોધું...?

ના રોલ એમાં કોઈ મારો
તને નારોલમાં ક્યાં શોધું...?

રાય ખડતલ આપ તું
તને રાયખડમાં ક્યાં શોધું...?

રખે આલેખન હું કરું તને
રખિયાલમાં ક્યાં શોધું...?

પલળીને વરસાદે તુજને
હું પાલડીમાં ક્યાં શોધું...?

આશા ના રેવા દીધી જરા
તને અસારવામાં ક્યાં શોધું...?

કે બાકીના એરિયામાં પણ
ના મળવાનો તુ ઈશ્વર,

છતાં અમથો આ વાદ કરી
'અમદાવાદ'માં ક્યાં શોધું...?

તુ રહે જગતના કણ કણમાં ને હું મંદિરે મંદિરે ક્યાં શોધું...jn

Thursday, July 20, 2017

ઋણ... ગઝલ...

વેદો કેરા વિશ્વાસ ને લાવ્યો છું...
સમરાંગણના વીરો લઇ આવ્યો છું...

ભારત માઁ ની આજે  લાજ બચાવવા ..
ભર ઊંઘે સમણામાંથી જાગ્યો છું...

ગીતાકાર  કહે  એ  રીતી  લઇને..
હર દિલમાં પ્રીત જગાડવા લાગ્યો છું...

કુણ્વન્તો વિશ્વં આર્યં સાકારવા..
પાર્થ  કેરી  રાહે  હું  ભાગ્યો  છું...

અટવાયા છે સૌ ભોગીના નાદે..
જાત ઘસી મારી જગમાં ચાલ્યો છું...

શૂરાતન  ચડતું  ગાઇને  જેને..
ચારણ લલકારે એવા કાવ્યો છું...

ધરતી માઁ નો ઋણી થઇને જગતમાં..
પાંડવ કેરી સેના લઇ આવ્‍યો છું...Jn

Thursday, July 6, 2017

પરણીને આવ્યો...હઝલ...

બે પૈસાનું  બૈરું લાવ્યો..
લોકો કે' છે હું તો ફાવ્યો...

કોણે આ પ્રપંચ  કરાવ્યો..
સ્વયંવરનો ખેલ રચાવ્યો...

હરખાણો પણ કેવો જાણે..
ઇડરીયો ગઢ જીતી આવ્યો...

આનંદે  ઉત્સાહે  આજે...
ગામે આખો ચોક સજાવ્યો...

કંકુ  ને  ચોખા  સાથે  ફૂલો..
હરખી સૌ એ આજ વધાવ્યો...

નવ યૌવનની આંખો ફાટી..
કાગડો જો ને દહીંથરુ લાવ્યો...

આમ જગત આખું મલકાણું..
અપ્સરાની સાથે પરણાવ્યો...Jn