Tuesday, July 24, 2018

દેવશયની-દેવપોઢી એકાદશી....

અષાઢ સુદ એકાદશીને દેવશયની-દેવપોઢી એકાદશી કહે છે. આ દિવસથી ચાર માસ ભગવાન સૂઇ જાય છે. ત્યારે પ્રશ્ન થાય કે ભગવાન ખરેખર સૂઇ જાય ખરા? અને સૂઇ જાય તો આ સૃષ્ટિનો વ્યવહાર ચાલે નહીં.  વાસ્તવમાં ભગવાન સૂઇ જતા નથી. પણ તેની પાછળ  ભક્તની ભાવના છે.જેમ મને થાક લાગે તો આરામ કરું, સૂઇ જાઉં તેમ મારા ભગવાનને વિશ્વનો વ્યવહાર ચલાવતાં થાક લાગ્યો હશે તેથી ચાર માસ ભગવાન સૂઇ જાય છે તેવી ભક્તની ભાવના છે.                            વાસ્તવમાં, આ ચાર માસ-ચોમાસામાં ભગવાન સકલ સૃષ્ટિ માટે પાણી તથા અનાજની વ્યવસ્થા કરે છે. ચાર માસ પછી ખેતરમાં અન્ન તૈયાર થાય ત્યારે કૃતજ્ઞ ભાવથી એ અન્ન ભગવાન પાસે મંદિરમાં ધરાવીને કહે છે કે ભગવાન, આ તમારી કૃપાનું ફળ છે. ત્યારે ભગવાન તેને જાણે જવાબ આપતા હોય તેમ કહે છે કે "મને ખબર નથી. હું તો ચાર મહિના સૂઇ ગયો હતો. આ બધો વૈભવ અને સમૃદ્ધિ તારા પરસેવા,પરિશ્રમ અને પુરુષાર્થને આભારી છે. " અહીં સાચા કર્મયોગીને  ભગવાન માર્ગદર્શન આપે છે કે "કર્મ કરો પણ અભિમાન ન કરો.  'મેં કર્યું ' એ ભાવ ન રાખતાં કર્મ કરવામાં હું નિમિત્ત છું. આ ભાવથી જ આધ્યાત્મિક વિકાસ થશે. આ સૃષ્ટિ સુંદર લાગે છે કારણકે સૃષ્ટિકર્તા તેમાં છૂપાઇ ગયો છે. વેદોની રચના કરનાર રૂષિઓએ તેની પાછળ પોતાનું નામ નથી લખ્યું. તેથી વેદો અમર છે. ભગવાન કર્મ કરીને યશ પોતે ન લેતાં, યશ બીજાને આપવાનું સૂચવે છે.                               તેમ, ભક્ત પરના વિશ્ર્વાસને લીધે ભગવાન સૂઇ જાય છે.સાચો  ભક્ત ભગવાનને કહે છે કે ભગવાન તમે નિરાંતે સૂઇ જાવ. તે દરમ્યાન હું  વ્રતનિષ્ઠ બનીને સતત જાગતો રહીશ.તમારા વિચારો, તમારું જીવન,તમારો પ્રેમ, ઉપકારો  હું  ઘરે ઘરે લઇ જઇને ,આ સૃષ્ટિનું સૌંદર્ય તેમજ સુગંધ વધારતો રહીશ.       તેથી જ કદાચ ચોમાસામાં સૌથી વધુ વ્રતો આવતા હશે.                             
આજના દિવસે ભગવાન પાસે સંકલ્પ લઇએ કે આ ચાર માસ દરમ્યાન,  ભગવાન, તમને ગમે તેવું મારું જીવન બનાવવાનો હું જાગૃત રીતે પ્રયત્ન કરીશ,તમને કેવું જીવન ગમે છે તે હું બીજાને પણ સમજાવીશ. તમે મારા પર વિશ્વાસ રાખીને નિશ્ચિંત બનીને સૂઇ જાવ! અસ્તુ.

No comments:

Post a Comment