Saturday, August 31, 2019

મોબાઈલ...

હોસ્પિટલમાં એક બહેને
જન્મ આપેલા નવજાત
શિશુને ન જોતા
એને એના મોબાઈલની
શોધખોળ ચાલુ કરી...
આ તો પછી મને સમજાયું
એને ડીપી બદલવાની
ઉતાવળ હતી બોલો...jn

મોબાઈલ...

આજ સવારથી જ એણે
ઉપવાસ રાખવાનું નક્કી કર્યું હતું..

આજ આખો દિવસ  પરિવાર
સાથે રહેવાનું નક્કી કર્યું હતું...jn

ગુંજ...

અસ્પૃશ્યતાની વાતો સૌ એ કરી હતી...
મારા કાનમાં ભાવલક્ષી શબ્દ ગુંજતો હતો...
 જે.એન.પટેલ (જગત)

Friday, August 30, 2019

પ્રેમ એટલે...

દરિયાના 
ઘૂઘવતા મોજાના 
અવાજ સાથે 
તારી ધબકારને 
સાંભળતા સાંભળતા 
તને અનિમેષ નજરે 
જોવાનો મારો ઉમળકો....jn

Thursday, August 22, 2019

યોગેશ્વર...ગઝલ

કાનો આવી ગેલા કરતો...
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...

જન્મદિવસે જગને કાજે..
માખણ મિસરી લઈને ફરતો..
ચૈતન્ય  અસ્મિતાની  સંગે..
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...

ગોવાળોની  સાથે  રમતો..
નાનો  થઇને  કાનો ફરતો...
કૃતજ્ઞતાની  વાતો  વાવી...
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...

ગોપીઓને  દૂત  બનાવી..
ક્રાંતિ તણા જે કામો કરતો...
ગોવર્ધનને ઉંચકી લેતો...
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...

કંસને મારી મથુરા નગરી..
ગ્વાલો ને પોતાના કરતો...
પડખે ઊભા રહીને પાછો..
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...

રણમાંથી એ ભાગી જાતો..
રણછોડ  બનીને  પૂજાતો...
પાંડવ પડખે આવી ચડતો..
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...

અર્જુન ને એ ગીતા કે'તો..
વિશ્વરૂપ ધરી  દર્શન દેતો..
યોગેશ્વર થઈ અવતરતો...
સૌમાં આજે સ્ફૂર્તિ ભરતો...jn

Saturday, August 17, 2019

પાટીદાર સમાજ ની ગૌરવ ગાથા...

પથ્થરને પાટુમારી પેદા કરીએ એવા પાણીદાર અમે...૨
વિશ્વએ માન્ય કરેલી સંસ્કૃતિના સાચા વારસદાર અમે...૨
સિંહને મોઢું ખોલવાનું કહી ગણિત ગણનાર અમે...૨
પરિશ્રમ જેની પારસમણિ છે એવા સાચા પાટીદાર અમે...૨
વર્ષો પહેલા આપણા વડીલો સિંધ પ્રદેશમાંથી પંજાબ આવ્યા અને ત્યાંથી કચ્છ પ્રાંતમાં ખેંગાર રાજા ના રાજ માં સ્થિર થયા. જેમ દૂધમાં સાકર ભળે તેમ ભળી જવું એ આપણો સ્વભાવ છે. આપણા વડીલો આમ જ એ પ્રદેશમાં ભળી ગયા અને ખેતી સાથે સંકળાયેલા હોવાથી ખેતી કરવા લાગ્યા. રાજાને જ્યારે સૈન્યની જરૂર પડી ત્યારે આપણા વડીલો પ્રાણની પરવા ન કરતા માતૃભૂમિના રક્ષણ માટે લડયા છે અને એટલે જ કહેવાનું મન થાય છે કે....
બચાવી છે સંસ્કૃતિ જેણે, ને ચડ્યા છે ગોધન ના વારે...૨
ચણાયા પછી પાળિયામાં સૂઈને નમન લઈ ગયા છે...૨
અને એટલે જ આજે પણ આપણે આપણા વતનમાં પાળિયાની પૂજા કરતા રહ્યા છીએ. આજ ગુણોના કારણે ખેંગાર રાજાએ પણ આપણા વડીલો ને કૂર્મી ક્ષત્રિયો કહ્યા છે, એટલે કે કર્મથી ક્ષત્રિય.
આપણા શાસ્ત્રોએ એમ કહ્યું છે "ક્ષતાતે ત્રાયતી ઇતિ ક્ષત્રિય" એટલે કે સંસ્કૃતિનું જે રક્ષણ કરે તે ક્ષત્રિય. એટલે જ કહું છું કે પાટીદારના કુળના હોવાનું ખૂબ મોટું સૌભાગ્ય છે, એ કંઈ નાની વાત નથી..
આપણા વડીલોએ સમાજરૂપી ખેતરને ખેડીને એટલું સુંદર રીતે તૈયાર કર્યું છે કે એ ખેતર માં જો ગુણોનું બીજ વાવીશું તો તરત જ ઊગી નીકળશે, પણ જો એમાં કંઈ જ નહીં વાવીએ તો ઓખાઈ બાવળીયા, બોયડી જેવો વધારા નો કાંટાળો કચરો જરૂર ઉગશે. પણ જો એમાં ફળાઉ ઝાડવા, લીમડા જેવા છોડ વાવીશું તો સરસ મજાના ફળો અને મીઠો છાંયડો માણીશું..
ભગવાન શ્રીકૃષ્ણ પણ ગીતામાં કહે છે કે...
 ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે
અર્થાત આ શરીર એક ક્ષેત્ર છે, એક ખેતર છે, એમાં શું વાવવું એ મારે નક્કી કરવાનું છે, એને ઉપવન બનાવવું કે જંગલ..??
આપણા વડીલો જીવનરૂપી ખેતરમાં ગુણોનો વાવેતર કરી ગયા છે. જેમકે
૧- મહેનત - એટલે કે હાર્ડવર્ક...
૨- સાહસ - અર્થાત્ ઘર છોડી અજાણ્યા વિસ્તારમાં ગયા છે, અને જેવો દેશ તેવો વેશ ધારણ કરી એમની સાથે દુધમાં સાકર ભળે તેમ ભળીને રહ્યા છે.
૩- પ્રમાણિકતા - આજે પણ હક વગરનું લેવાનું આપણા લોહીમાં નથી
૪- એકતા - આજે આપણે આ વાડીમાં સાથે બેઠા છીએ એ જ બતાવે છે કે આપણી એકતા શું છે. સંયુક્ત પરિવારની જેમ જ સમાજ એક મોટું કુટુંબ છે, અને એટલે જ કહેવાય છે કે જેના અન્ન ભેળા એના મન પણ ભેળા..
૫- કેન્દ્રમાં ભગવાન - આપણા દિવસની શરૂઆત હોય કે કોઈ મોટા સારા ઉત્સવની શરૂઆત હોય પ્રથમ આપણા ઈષ્ટ દેવતા કે કુળદેવીને વંદન કરીને કરીએ છીએ. હંમેશા ભગવાન ને સાથે લઈને ચાલવા વાળા આપણે છીએ.
પરમ પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલે એટલે કે સ્વાધ્યાય કાર્ય ના પ્રણેતા એવા પૂજ્ય દાદાજીપણ આપણી સમાજ માટે કહે છે..
 *પા* - એટલે પાણીદાર એટલે કે પાટુ મારીને પેદા કરવા વાળો...
 *ટી* - ટીકા કે ટીખળની પરવા ન કરનાર અર્થાત કોઈ મજાક કરે તેને ના ગણનારો. ઘણીવાર લોકો આપણા સમાજને ઘેટાંના ટોળાં જેવો કહે છે..
*દા* - દાતૃત્વવાન એટલેકે દાનવીર..
 *ર* - એટલે કે રમતા રમતા જીવનને જીવી જનારો એવો નમ્ર તે એટલે પાટીદાર.
આવા મહાપુરુષ પણ આપણા સમાજની નોંધ લઈ ગયા છે. એટલે જ જ્યાં જઈ સ્થિર થયા છીએ તેના લોકલ સમાજ ત્યાંના લોકો આપણી સલાહ લે એવું જીવન જીવ્યા છીએ. આપણી ખેતી આપણો વ્યવસાય આપણી કામ કરવાની પદ્ધતિ આ બધા ની નોંધ આજે પણ દુનિયા લેતી રહેલી છે.
આવો વૈભવશાળી સમાજ આજે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી બનતો જોવા મળે છે. વડીલોએ મહેનતથી અને સમજણનું ભાવરૂપી અમીનું ઝરણું વરસાવી ઉભા કરેલા સંયુક્ત પરિવારો આજે વિભક્ત થતાં જોવા મળે છે. આપણા વડીલો એ બીજાને પાસે લઇ વગર મૂડીના ભાગીદાર બનાવી સાથે લઈને ચાલ્યા છે. જ્યારે આજે બીજાને સાથે રાખવાની તો વાત દૂર જ રહી પણ વિશ્વાસ ના નામે શૂન્યતા જોવા મળે છે.
વર્ષો પહેલા અંગ્રેજ અમલદારો દર મહિને એમના ગેજેટ બહાર પાડતા હતા. એમા એમણે કણબી  પાટીદાર સમાજ માટે નિર્વ્યસની સમાજ એવું સંબોધન કર્યું છે. અને આજે વ્યસનના વમળમાં ડૂબ્યો છે. પાનના ગલ્લે પિચકારી મારતો યુવાન દેખાય છે. બીજાના તાલમાં નાચતો યુવાન દેખાય છે. વળાંકમાં વળતો યુવાન દેખાય છે. ઢાળમાં ઢળતો અને ચઢાવ માં પડતો યુવાન દેખાય છે.
સમાજમાં આજે સગપણની બાબતમાં બાહ્ય વૈભવ જોવા માં આવે છે, જ્યારે આપણા વડીલોએ આંતરિક વૈભવ જોયો છે. ખોરડા ની ખાનદાની જોઈ છે.  આજે ઊંચી અપેક્ષાઓના પરિણામે સગપણ સમસ્યા ઘર કરી ગઇ છે. વ્યવસાયિક દૃષ્ટિએ પણ આજે ખોટી હરિફાઈ થતી જોવા મળે છે અને પરિણામે ધંધા મંદા પડવા લાગ્યા છે, અને ધંધા ભાંગવા પણ માંડ્યા છે.
આપણા સમાજ માટે ખુબ ગૌરવની વાત છે કે સમાજની અંદર ઊંચા હોદ્દેદારો, ડોક્ટર, વકીલ, એન્જિનિયર વગેરે વગેરે આપણા દિકરા-દિકરીઓ થતા જોવા મળે છે, પણ આ હરણફાળ હરીફાઈ ક્યાંક આપણને માં ઉમિયાના દીકરા દીકરી બનવાનું ભૂલાવીતો નથી રહીને..??
 "બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન" આપીએ છીએ પણ "લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન" એટલે કે વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં ક્યાંક જીવનલક્ષી શિક્ષણ ભુલાતું તો નથી ને..??
આપણા બાપા ઓ સરસ મજાના આંબાના છોડ વર્ષો પહેલા સમાજરૂપી ખેતરમાં વાવી ગયા છે, આજે એ વૈભવ રૂપી આંબામાં સરસ મજાની કેરીઓ લાગી છે. આ કેરી ને મારે યોગ્ય સમયે હાંખ પડે ત્યારે ઉતારીને ખાવાની છે. જો યોગ્ય સમયે નહી ઉતારું તો તેમાં સડો પડશે અને તેનો નાશ થશે. બસ આમ જ આપણી પાસે રહેલા વિત્તના વૈભવ ને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ઉપયોગ નહીં કરીએ તો તેમાં પણ દુર્ગુણો રૂપી સડો પડશે અને એનો નાશ થશે.
આપણી પાસે વિત્તના વૈભવ સાથે વાણીનો વૈભવ, સંસ્કારોનો વૈભવ, કુટુંબનું ગૌરવ, કુળનું ગૌરવ પણ છે, અને એટલે જ આવા સમાજને સાચવવો એ આ સમાજ ના દીકરા દીકરી તરીકે મારી પણ જવાબદારી છે.
માટે જ હું મારી વાણીમાં મારા વિચારો માં અને મારા વર્તનમાં બદલ લાવીશ જ.
અંતમાં એટલું જ કહીશ વડીલોના કરેલા વ્યવહારને લઈને આજે પણ આપણી સમાજ માટે કહેવાય છે કે પાટીદાર એટલે પ્રમાણિકતા નો સિક્કો અને એટલે જ કહું છું...
પાળીયા બનીને મારે પણ પૂજાવું છે....૨
આ જગત યાદ કરે એમ મારે પણ ઘસાવું છે....૨
                                             અસ્તુ... જય માં ઉમિયા... જગદીશ એન. લિંબાણી

Thursday, August 1, 2019

*શ્રાવણ...* ગઝલ

*શ્રાવણ* કેરો માસ આવ્યો..
ભક્તિ તણા ભંડારા લાવ્યો..

વ્રતો ભરીને વણજાર આવી..
સુહાગણે શણગાર સજાવ્યો..

બેઠો બેઠો શિવજી હરખાયો..
મંદિરનો પૂજારી પણ ફાવ્યો...

ભક્તો કેરા ટોળા નિહાળી..
કૂર્મની સંગે નંદી એ મલકાયો...

મુખમાં રામ બગલમાં છુરી..
ભાલે મોટા તિલક કરી ચાલ્યો..

કંકુ ચોખા ને બિલી જોઈને..
ભૂતોનો એ નાથ ગભરાયો...

લખવા બેઠા જગતના કવિઓ..
ગીત-ગઝલ અછાંદસ ને કાવ્યો...jn

જે. એન. પટેલ (જગત)