Monday, January 27, 2020

કંપો.....

ફેફસાને ફૂલીને ઊંડા શ્વાસ લેવાનું મન થાય...
કુદરતના ખોળાને આંખોમાં ભરવાનું મન થાય...
તે એટલે કંપો....

કાગ બોલે ને ઢોલિયા ઢાળવાનો અવાજ થાય...
હાથમાં કળશ ને પ્યાલા સાથે પાણી નો ભાવ પુછાય...
તે એટલે કંપો....

મહેમાનોનું આગમન થતા મોઢું ના મચકાય...
મળીને આનંદની લહેર સાથે હૈયા હરખાય....
તે એટલે કંપો....

માટીનો મેકઅપ ને કુદરતનો ખોળો ઝંખાય..
ખેતરના સેઢામાં ખુલ્લા પગલે ડગલા મંડાય....
તે એટલે કંપો....

વહીવટી વિચારોના વમળમાંથી વહી જવાય..
શીરાની સાથે છાશના કટોરે મહેમાન ગતિ મણાય...
તે એટલે કંપો....

પાડોશીના પ્રેમ સાથે નોતરામાં ચાની ચૂસકી ભરાય...
ખીચડી ને ઘી ના ઘટમાળમાં મીઠી નીંદરે પોઢાય...
તે એટલે કંપો....

ખુલ્લી શેરીમાં ક્રમબદ્ધ ઢોલિયામાં રેણ થાય...
જગતના નાથને નમી તારલાની ચાદર ઓઢાય...
તે એટલે કંપો....jn

જે. એન. પટેલ (જગત)

Sunday, January 19, 2020

માનવ કે ઈશ્વર...

મંદિરે બેઠા પછી ઈશ્વર હવે મુંજાઈ ગયા છે...
કોણ જાણે મૂર્તિમાંથી આજ સ્ટેચ્યુ થઈ ગયા છે...

ધર્મના વાડા બનાવી સૌ સજાવી ચાલવાના..
આસ્તિકો કે નાસ્તિકો ક્યાં કોઈથી પરખાઈ ગયા છે...

ભૂમિ પર તો અવતર્યા છે અંશ થઈને જે તમારા..
જીવમાંથી શિવ બને એ રાહ માં અટવાઈ ગયા છે..
વાદળને ચીરો તો હવાના ટુકડા નીકળે...
ને હ્રદયને ચીરો તો લાગણીઓના લોચા નીકળે...
હજારો દુઆઓ અમારી  ફળી છે...
અમોને તમારી ઈબાદત મળી છે...

સજાવ્યા છે સમણાં ને બેઠા જે રાહે..
પછીથી વગર ચીસ આંખો રડી છે...

મોકલું છું...


બંધ આંખોમાં કેદ કરી એક સમણું મોકલું છું..
તમે કરેલી કલ્પનાઓ કરતા બમણું મોકલું છું...

એકલતામાં તમારી તમને થાક તો લાગશે...
વિસામો લઈ શકો એવું એક રમણું મોકલું છું...

ભરાઈ જતી હશે આંખો આજે પણ વિયોગમાં..
માથું ઢાળો ખભે, એક જણ સમજણું મોકલું છું...

પળેપળ વાગોળી શકો તમે અમારા સ્મરણોને..
પ્રેમથી બોલાવો એવું એક નામ હુલામણું મોકલું છું...

જાગતા સુવાની જગતમાં આદત પડી જ હશે..
બંધ આંખોમાં મલકાવ એવું એક સમણું મોકલું છું...jn

વિશ્વાસ..

ડરતા હતા લોકો એના પડછાયાથી...
ને અમે એના દિલમાં ઘર કરી ને બેઠા...

ઉંચે ઉડવાની જ્યારે મોસમ ખીલી હતી..
એ નીચે આવશે એ વિશ્વાસથી અમે રહ્યા હેંઠા...

એક ચહેરો...

એક ચહેરો મેં હસતો જોયો છે..
મનના મહેલે મેં વસતો જોયો છે...

હિમાલય જેવો સ્થિર અડગ પાછો..
તારા સ્પર્શથી ખસતો જોયો છે...

સામે આવીશું અમે એ વિચારથી..
મરક મરક મરકતો જોયો છે...

આંખોથી જ આલિંગન ઝંખતો..
ને આંખ મળતા એ ઝુકતો જોયો છે...

તમે ચાલીને આવ્યા હતા જે ડગર..
જગતમાં રાહ જોતો રસ્તો જોયો છે...jn