Thursday, March 31, 2022

શીર્ષક - અવતાર

 કણ કણમાં આજે કૃષ્ણને જોયા છે...

હર  દિલમાં  આજે  રામને જોયા છે...

મત્સ્ય ને કૂર્મની ગતિ કોણે જાણી...

ધરતીને ધરતાં વરાહને જોયા છે...

વિશ્વાસે વહાણને હંકારી લાવે...

ભક્તો કાજે નરસિંહને જોયા છે...

મિથ્યાભિમાન બલીનું તોડે માગણ..

ત્રણ ડગ ભરતાં વામનને જોયા છે...

શુદ્ધ હોય તે બુધ્ધ હોય એવું ક્યાં..!

રુધિર રંગી પરશુરામને જોયા છે...

શાસ્ત્રો જેનો પડછાયો બન્યો છે..

કૃષ્ણના સાયા બલરામને જોયા છે...

નિષ્કલ્કી થઇને પુજાશે માણસ..

જગતે એવા માનવને જોયા છે...jn

જે. એન. પટેલ (જગત)

Sunday, March 20, 2022

માળો... ગઝલ

ઘર જેવો સથવારો ભાળો..

ઘરમાં ચકલી બાંધે માળો..

ચકલી કે'તી હું છું ભૂરી..

ને ચકો કે' હું  કંઠે કાળો...

ચીં ચીં ચીં ચીં.. કરતી રહેતી..

લુપ્ત છે પ્રજાતી, ક્યાં ભાળો.. 

છબછબિયાં કીધાં ખાબોચે..

આવે યાદ એ કાંકરિ ચાળો...

ભેળું કરતી તેણા‍ં વિણતી..

ઘરમાં  તો  આવે  કંટાળો...

પંખે પટકાતી જ્યાં ચકલી..

હાથ પછી ફરતો હુંફાળો...

ખૂશાલ જગતને છે જાણ્યું..

ઘરમાં ચકલી બાંધે માળો...jn

Saturday, March 19, 2022

સત્તાની ભૂખ...

જ્યારથી તિરંગામાં એક રંગ વધુ જોયો છે...

આઝાદીનો એક એવો રંગ અમે ખોયો છે...

એક આખો મલક લોહિયાળ બની રહે છે...

ચિચિયારીના નાદમાં રક્તની નદી વહે છે...

શહીદી વહોરી છે કે પછી દુશ્મન બની મર્યો છે..

આજ ઘરનો ખૂણો ખાલી આંખોમાં ભર્યો છે...

સત્તાની એવી કેવી લાલચ એને જાગી છે...

ઘરની દિવાળી આજે હોળી બની ભાગી છે...

જીવ જગત ને જગદીશ કોણ સમજાવે છે..

એ જ જે માનવમાં ગૌરવને જગાવે છે...jn

જે. એન. પટેલ (જગત)