Saturday, December 30, 2023

ગિરનાર...

ગિરનાર પર ધુમાડાની આહલાદકતા ક્યારેય માણી છે..?

ઝીણી ઝીણી છાંટડી કરતી વાદળીની જાત ક્યારેય જાણી છે..?

લીલી ચાદરની સાડીની વચ્ચે સીડીના પાલવને માણ્યો છે..?

ડુંગરની ટોચ પર બાહો ફેલાવી હવાની મહેક પીછાણી છે..?

ધુણીના ધુમાડામાં ગિરનાર પર કેટલીય શ્રદ્ધાઓ છે..

દત્તાત્રેયની ડેલી અંબાનું ધામ ને નરસિંહ મહેતાની વાણી છે..

સતના પારખા ક્યાં કરો નજર સામે એક આખી જમાત છે..

ગંગાની પવિત્રતા ને શ્રધ્ધા સ્પર્શે એવા કુંડના પાણી છે..

ગુજરાતની આન બાન શાન બનીને બેઠો છે ગિરનાર..

જગતની ઝંખના ઉપર એની કેટલી એક કહાણી છે..jn

જીવન....

કંઈક કરતાં કેટલાય લોકો કહે છે કે હું જિંદગીને માણી રહ્યો છું..

કારણ એક જ જીવનની સાથે હું જિંદગીને ચાહી રહ્યો છું...

ભાવસાગરને તરવાવાળા કેટલાય લોકો મજદારે જઈ થાકે છે..

કારણ એક જ હું આનંદ નગરના રસ્તાનો રાહી રહ્યો છું...

નથી સમજાતું દુખ એકલતાનું છે કે પછી બીજો આવે એનું છે..!

કારણ એક જ ઈશ્વર મોકલે એ મળે તે સમજી ચાલી રહ્યો છું..

સર્જન કરવું કે વિસર્જન કરવું એ નિમિત બનવા જેવી વાત છે..

કારણ એક જ વાંસ સમુ પોકળ છે જીવન ને વાગી રહ્યો છું...

જગત આખું મથ્યા કરે છે જગદીશ ને પામવા આમ તેમ..

કારણ એક જ હું જગદીશને કણ કણમાં પામી રહ્યો છું...jn

જે. એન. પટેલ (જગત)

Tuesday, December 5, 2023

સંકલ્પ... ગઝલ

રાત આખી જાગવા પરવાનગી આજે મળી છે..

કોણ જાણે પ્રેમ કરવાની હવે ઇચ્છા ફળી છે...

આંખને ઊજાગરા સાથે ભલે સગપણ બંધાયું..

આંસુઓને પણ નવા સંકલ્પની આશા મળી છે...

આવવું જાઉં હવે તો રાતભર ચાલ્યા કરે છે..

આવવા માટે હૃદયના દ્વારમાં ખુલ્લી ગળી છે...

એક આખુંએ નગર મારા નયનમાં છે વસાવ્યું..

ભર સભામાં જો ઈચ્છા એકાંતની કેવી ફળી છે..

આ જગતની ઝંખનાઓની હવે બોલી લગાવો..

કલ્પના કે પછી હકીકત કોણ ઉપર ઉછળી છે..!.jn

Sunday, September 24, 2023

ગાંધી કે આંધી...

 મુઠ્ઠીભર હાડકાના માનવીને સતત ચાલતો જોયો છે..

અસ્ત્ર શસ્ત્ર ને બાજુ મૂકી શબ્દોથી લડતો જોયો છે...

યૌવનની પરિભાષા બદલે ને સાવ યુવાનીને પણ શરમાવે..

શૌર્યતા ભરી ખંતીલો એક યુવાન ડોસલો જોયો છે...

પર દુઃખને પોતાના જાણી પોતાના વસ્ત્રોનો જેણે ત્યાગ કર્યો..

મીઠાની મુઠ્ઠી હાથમાં ભરી સતત એકધારો સરતો જોયો છે..

સત્યના પ્રયોગો માત્ર કાગળ પર ન રાખતા જીવનમાં લાવ્યા..

સત્ય અને શસ્ત્ર બનાવી મહા સત્તા સામે હોંસલો જોયો છે..

ગુજરાતી નું ગૌરવ જાણી જગતનો નાથ મલકયો છે..

આધી બનીને ગાંધી ભારતની ભોમે ભમતો જોયો છે..jn

ગાંધીનું ગુજરાત..

 ગુજરાત છે ભાઈ ગુજરાત છે આ ગાંધીનું ગુજરાત છે..

મોગલો કે અંગ્રેજો આવે સામનો કરે આ ગાંધીનું ગુજરાત છે..

કૃષ્ણની ગીતાને સાકારિત કરી ચાલવા વાળું આ ગાંધીનું ગુજરાત છે..

રામાયણના ગુણો ખૂંપી ખૂંપી ને ભર્યા આ ગાંધીનું ગુજરાત છે...

પર પીડા ને જેણે માણી ને જાણી છે એવું આ ગાંધીનું ગુજરાત છે...

બીજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી આ ગાંધીનું ગુજરાત છે..

ઢાળમાં ઢળતી ચડાવ આવે ત્યાં પડતી આવી યુવાની આજે જોઈ છે..

૭૦ વર્ષની ઉંમરે પણ યૌવનતા છલકે આ ગાંધીનું ગુજરાત છે..

જગતે જોઈ છે જગતે માણી છે ને જગતે વખાણી પણ છે..

ગુજરાતની ગૌરવ ગાથા ઇતિહાસે લખી છે આ ગાંધીનું ગુજરાત છે..jn

Friday, September 15, 2023

જીવેત્ શરદ: શતમ્...

जीवेत शरद: शतम् 

सुदिनं सुदिनं जन्मदिनम्

नंदाम् शरद: शतम्।।

भवतु मंगलं जन्मदिनम्

 

શતમ્ જીવમ્ શરદઃ...૨

અભિનંદન અભિનંદન....

છાંટો ગુલાલ ચંદન...

તમને સાલામ તમને પ્રણામ તમને અમારા વંદન....૨

શતમ્ જીવમ્ શરદઃ...૨

અભિનંદન અભિનંદન...


હીરાબા સમ માત મળ્યા ને દામોદરના નંદન..૨

*ભારત માનું* પાવન પગલે ખીલ્યું છે ઉપવન..

શતમ્ જીવમ્ શરદઃ...૨


રાષ્ટ્રના પથદર્શક છો છો ગૌરવ દેશ વિદેશે..૨

ખીલી ઉઠે એ કણકણ જ્યાં થાય આપનું પગરણ..

શતમ્ જીવમ્ શરદઃ...૨


ચાલી આકરી રાહે દેશ વિદેશે ધ્વજ લહેરાવ્યો..૨

અગવડને સગવડમાં પલટી જીવન બાગ સજાવ્યો..

શતમ્ જીવમ્ શરદઃ...૨


મારી માટી મારો દેશ કહી કર્યા વીરોને વંદન..૨

મક્કમતાથી ડગલાં માંડ્યા ધરા બની ત્યાં ચંદન..

શતમ્ જીવમ્ શરદઃ...૨


કૃતજ્ઞ ભાવના અવ્વલ છે ને રગરગમાં છે પ્રેમ..૨

આપ છો ઉત્તમ મંત્ર આપનો કેવળ છે ઉદ્યમ..

શતમ્ જીવમ્ શરદઃ...૨


કાશી કચ્છ કર્યા ઝગમગતા વેઠ્યા આકરા તાપ..૨

બુદ્ધિમાન મહાનાયક જ્ઞાની પરમશ્રેષ્ઠ છો આપ

શતમ્ જીવમ્ શરદઃ...૨


વિજય આપના ચરણો ચૂમે કરે જગતને વ્હાલ..૨

મળે દોસ્તી જેને આપની એ  થાય ન્યાલાન્યાલ..

શતમ્ જીવમ્ શરદઃ...૨


શતમ્ જીવમ્ શરદઃ...૨

અભિનંદન અભિનંદન....

છાંટો ગુલાલ ચંદન...

તમને સાલામ તમને પ્રણામ તમને અમારા વંદન....

શતમ્ જીવમ્ શરદઃ...૨

અભિનંદન અભિનંદન....

છાંટો ગુલાલ ચંદન...૨

તમને સાલામ તમને પ્રણામ તમને અમારા વંદન....

શતમ્ જીવમ્ શરદઃ...૮

Wednesday, September 6, 2023

નવનિર્માણ...

ચાલ આભાસી પ્રેમની દિવાલોમાં થોડું *નવનિર્માણ* કરીએ..

કલ્પનાઓને છોડી હકીકતમાં થોડું નવસર્જન ભરીએ...

હાથમાં હાથ ઝાલી તો સૌ કોઈ ફરે છે એમાં નવું શું..?

બંધ આંખોમાં અહેસાસના ઓથમાં થોડું હળવું ફરીએ...

ચાંદ ને તારા તોડવાની વાતો આવો તો કાંઈ પ્રેમ હોતો હશે.!

ઝાંઝવાના જળમાં કાગળની નાવ લઈ હળવેથી તરીએ...

મોબાઈલનો વાયરો ચાલે છે ને માણસ તો જાણે હવામાં છે..

વાયરલેસ પ્રેમ ને વહેમ પણ વાયરલેસ તોય કહે સાથે મરીએ...

યાંત્રિકતા ભળી છે જગતમાં માણસ પણ યંત્રનો ને પ્રેમ પણ..

ચાલ આ કાલ્પનિક દુનિયાને બાજુ મૂકી પત્ર વ્યવહાર કરીએ...jn

જે. એન. પટેલ (જગત)

Thursday, August 10, 2023

હું છું પાકો ગુજરાતી...

*હું* પણાનું જેને ગૌરવ છે.

*છું* હું દેશની શાન એવો લલકાર છે.

*પા* ણીદાર જેની વાણી છે.

*કો* શિષોમાં પડકારને જીલે છે.

*ગુ* રુતા લઘુતાનો જેને ભેદ નથી.

*જ* કાર જેના નશે નસમાં ભરેલો છે.

*રા* હ મુશ્કેલીઓથી ભરેલી હોય છતાં બે ફિકર થી ચાલે છે.

*તી* ક્ષ્ણ થઈને જે તપ કરી જાણે છે.

ગુજરાતી હોવાનું ગૌરવ કોણ જાણી શકે..!! 

માત્ર ને માત્ર એક ગુજરાતી જ જાણી શકે.

નરસિંહના નામે હૂંડી ફરે છે અને દ્વારિકાનો નાથ એના નાણા ભરે છે.

સોમનાથના સીમાડાનો શું હિસાબ જગત આખું જેને રોજ નમે છે. 

કાઠીયાવાડનો કોઈ મહેમાન બને તો ભોજન સાથે ભાવથી તૃપ્ત થઈ ભમે છે.

ભૂલ આવી હોય તો રાતભર પડખા બદલ્યા કરે તે ભૂલ સંબંધોની હોય કે પછી સમજણની કે પછી હિસાબોની હોય. 

ભાઈઓના ભાગલા થાય ત્યારે મોટો મોટાઈ ના ભૂલે અને નાનો મોટાને ના ભૂલે આવા તો છે હિસાબોના *પાકા ગુજરાતી* .

અમારા અમદાવાદના દાખલા આપે લોકો તે પછી ચાય હોય કે ચટાકેદાર નાસ્તા.

હિસાબો અમારા પારદર્શક અને ભાલા જેવા ને ક્યાંય કોઈ ભૂલમાં પણ કચાશ ન આવે અને એટલે જ દુનિયા *પાકા ગુજરાતીના* ઉપનામ થી બોલાવે.

જગતનો નાથ પણ સામે આવીને ઊભો રહીને બોલે કે બોલ બોલ તારે શું જોઈએ તો એને પણ મફતમાં ના કહેવાની હિંમત રાખવા વાળો *હું છું પાકો ગુજરાતી.*.. jn


જે. એન. પટેલ (જગત)

તૈયાર છે..

 પર્વત ઝુકવા તૈયાર છે સમુદ્ર સુકાવા તૈયાર છે

રામ આવે આ ધરતી પર સીતા લંકામાં રહેવા તૈયાર છે..jn

નશો...

ભક્તિનો પણ નશો ચડે છે ને પથ્થર પણ તરે છે જ્યારે લખાય છે રામ...

પ્રેમનો પણ નશો ચડે છે ને માણસ પણ ફરે છે જ્યારે થઈ જાય છે કામ..


શ્રદ્ધા મફતમાં મળે છે ને અંધશ્રદ્ધાના દામ બોલાય ને વેચાય પણ છે..

ધર્મના ધુતારા ગલીએ ગલીએ ફરે છે ને રાતોરાત બની જાય છે ધામ...jn

ટપાલ....

એક આખું ચોમાસું મોકલ્યું છે ટપાલમાં..

અને એક તમે કાયમ રહો છો ધમાલમાં...

સૂમસાન રસ્તા પર રાતભર રઝળ્યા કરું..

ઝલક મળે અચાનક તમે આપેલા રૂમાલમાં...

આંખનો ઈશારો હજી રોમે રોમ જામેલો છે..

રાત આજે પણ જાગે છે તમે કરેલી કમાલમાં..

હૈયે મુશળધાર વર્ષા હજુએ જામેલી છે..

આતુર છે આંખો એ લટોની જમાલમાં...

ટેકનોલોજીના જગતનું શું કરવું છે મારે..

હાથનો સ્પર્શ છે તમારી આવેલી ટપાલમાં...jn

જે. એન. પટેલ (જગત)

ધરતીનો સાદ...


*जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।।* 

કહેવાય છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ વહાલી હોય છે. 

રામાયણ કાળમાં જ્યારે શ્રીરામ લંકા ઉપર વિજય મેળવે છે અને તે દરમિયાન સમગ્ર રાજપાઠ વિભિષણજીના હાથમાં સોંપે છે ત્યારે લક્ષ્મણજી પ્રશ્ન કરે છે ત્યારે લક્ષ્મણજીને શ્રી રામ કહે છે આ સુવર્ણમય લંકાને શું કરીશું આપણે અને એનું એક જ કારણ કે જનની અને જન્મભૂમિની *ધરા એને સાદ કરે છે.* 

માણસ ગમે ત્યાં જાય પુરી દુનિયા ફરે ત્યારે જન્મભૂમિની *ધરા એને સાદ કરે* અને અંતે દુનિયાનો છેડો એને માત્ર ને માત્ર ઘર જ દેખાય.

અને એમાં પણ વળી મારા જેવા તો કુદરતના ખોળામાં વસતા હોય પછી તો પૂછવું જ શું..?

અહીંયા તો ફેફસાને ફૂલીને ઊંડા શ્વાસ લેવાનું મન થાય છે.

ખુલ્લા પગે આ ધરતીમાં ડગલા માંડવાનું મન થાય છે.

સાત સમંદર પાર જઈને ભલે કોઈ બેઠો હોય પણ જ્યારે જ્યારે તેને નાની સુની પણ કોઈ મુસીબત આવે ત્યારે ત્યારે એ આ *ધરતીને સાદ કરે છે.*

શહીદ ભગતસિંહ જેવા વિરો હસ્તે મુખે જ્યારે ફાંસીના માંચડે લટકવા જાય છે ત્યારે આ *ધરતીને સાદ કરીને* કહે છે તારું ઋણ ચૂકવવા ફરીથી તારા ખોળામાં અવતરણ કરીશ. આવા વીરોના બલિદાનને આ *ધરતી સાદ કરે છે.*

વંદન છે આ ધરાને જ્યાં અવતારો થનગન્યા છે નાચ્યા છે.

આજે પણ કહું છું કે માતાના ધાવણ પછી આ *જગતમાં* જો કોઈ શ્રેષ્ઠ ટોનિક હોય તો તે માતૃભાષા અને માતૃભૂમિનો પ્રેમ છે..jn

જે. એન. પટેલ (જગત)

Saturday, July 22, 2023

કલરવ...

કલરવ કરતો આનંદ ભરતો..

મસ્તીમાં એ સરસર સરતો...

સૌને સાથે લઈને ચાલે..

શબ્દોનો પૂજારી ફરતો...

રોજે રોજે ઉત્સવ જાણે..

નિસદિન સ્પપર્ધાઓ માણે...

શક્તિઓને સૌની જગાડી..

આત્મ ગૌરવ સૌમાં ભરતો...

આનંદ આવે આંગણ આજે..

ગાંધીનગર પણ ઘેલું લાગે..

આંખો મારી પણ છલકાણી..

રમતા રમતા જીવન ભમતો...

સર્કિટ હાઉસે સુર વહ્યા છે..

માનવ માનવ આજે ભળ્યા છે..

ગમતાના ગુંજા ના ભરતો.. 

ગમતાનો ગુલાલ એ કરતો...

શબ્દોના મોતી જે પરાવે..

માનવ હૈયાનો હાર બનાવે..

જાણી નાથ જગતનો આવી..

કલગી માથે આવી ધરતો...jn

જે. એન. પટેલ (જગત)

Thursday, July 20, 2023

માનવ કેવો.

 ઢાળમાં ઢળે વળાંકમાં વળે ને ચડાવવામાં પડે એ માનવ કેવો..

સુખમાં સોનીને સંભારે દુઃખમાં દેવોને સંભારે એ માનવ કેવો...


જિંદગી ઘસી નાખી જેણે માત્ર એનું જતન કરતાં કરતાં.. 

ભરોસાની વાત આવે ત્યારે રામ પણ વિચારે એ માનવ કેવો...

Sunday, July 16, 2023

કૃષિ વિકાસ ખાતર બિયારણ...

 *ખેડ ખાતર ને પાણી વરસાદને લાવે તાણી..* ખૂબ જૂની કહેવત છે અને બધાએ સાંભળી પણ હશે.

કોઈપણ પાકને સારામાં સારી રીતે તૈયાર કરવો હોય તો પાયાની સૌથી મહત્વની વાત હોય તો તે યોગ્ય પદ્ધતિ તેના પછી યોગ્ય બિયારણ અને ત્યારબાદ તેની માવજતના સ્વરૂપે સમયાંતરે ખાતર અને જરૂરી દવાઓ છે...

આજે મોટાભાગના ખેડૂતો *રાસાયણિક ક ખાતર* નો વપરાશ કરતા હોય છે પણ ખરેખર જોઈએ તો તે કેટલો યોગ્ય છે.?

લાંબા સમયગાળે આ ખાતરો જમીનને અને જમીનની *ફળદ્રુપતા* ને બંનેને નુકસાન કર્તા છે.

પહેલાના સમયમાં જોઈએ તો *છાણીયા ખાતર* અને *સડેલા ખાતર* જ એટલે કે *જૈવિક ખાતર* વાપરવામાં આવતા હતા.

આજે પણ ધીરે ધીરે એ તરફ આપણે પાછા વળી રહ્યા છીએ, કારણ *રાસાયણિક દવાઓ અને ખાતરથી કેન્સર* જેવા ભયાનક રોગોના પ્રમાણ પણ વધ્યા છે એટલે હવે ધીરે ધીરે *સજીવ ખેતી* વિક્ષિત થવા લાગી છે.

 *જૈવિક* ખાતરોમાં જોઈએ તો *છાણીયું* ખાતર, *સડેલા* કચરામાંથી બનાવવામાં આવેલું ખાતર, *અળસિયાના મળ* માંથી બનાવવામાં આવેલું ખાતર તેમજ *બેક્ટેરિયા* દ્વારા બનાવવામાં આવતા ખાતરો જેવા કે *ફૂગ* છે *પોટાશિકા* છે તે સિવાય પણ ઘણા બધા ખાતરો આજે જોવા મળે છે જેનો વપરાશ દરેક ખેડૂત મિત્રોએ કરવો જ જોઈએ.

આપણા પકાવેલા પાકમાંથી સમાજ સુખી થાય અને નીરોગી રહે તે મારો *રાષ્ટ્રપ્રેમ* અને સાથે સાથે આ *ધરતીની કૃતજ્ઞતા* વ્યક્ત કરવાનો અવસર પણ છે..

આગળ આપણે બિયારણની વાત કરીએ તો...

અત્યારે બજારની અંદર ઘણા બધા બિયારણો જોવા મળતા હોય છે અને પ્રથમ ગ્રેડ બીજો ગ્રેડ એવી રીતે *ગ્રીડિંગ* પણ થતા હોય છે.

એવું કહેવાય કે જે ઈમારતનો પાયો નબળો હોય તે ઇમારત લાંબી ન ટકે. એવું જ બિયારણમાં પણ છે કે જો *બિયારણ નબળું* વાપરીશું તો તેના છોડને ગમે એટલી માવજત કરીશું ગમે તેવા સારા ખાતરો કે દવાઓનો છંટકાવ કરીશું તો પણ તે છોડનો વિકાસ જોવે એવો નહીં થાય એટલે કે બિયારણ સારી કંપનીનું હોય વિશ્વાસુ વ્યક્તિઓ પાસેથી લેવું જરૂરી છે.

મારો પોતાનો પણ અનુભવ કહું તો ઘણા વર્ષો પહેલા મેં પોતે પણ *જૈવિક ખાતરનો* પ્રોજેક્ટ બનાવેલો છે. વિશ્વમાં *અળસિયાની લગભગ 1400 જેટલી પ્રજાતિઓ* છે તેમાની શ્રેષ્ઠ પ્રજાતિ એટલે કે *એનેશિયા ફટીડા.* આ પ્રજાતિનો મળ એ ખાતરના સ્વરૂપમાં ખેતરમાં નાખવામાં આવતો હોય છે અને લાંબે ગાળે ખેતરમાં અળસિયા નો *ઉપદ્રવ* ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ જાય છે જેથી કરી એક સમય એવો આવે કે તે જમીનમાં કે ખેતરમાં ખાતરની જરૂરિયાત રહેતી જ નથી. આને લઈને ખેડૂતને સૌથી મોટો ભાર જે ખર્ચનો હોય છે તે શૂન્ય થઈ રહે છે.

 *GSFC* જેવી મોટી કંપનીઓ પણ અત્યારે યુરિયાના ઉપર *લીમડાની લીંબોળીનું દ્રાવણ* બનાવી એને કોટેડ કરે છે એટલે કે *નીમ કોટિંગ* કરીને તે ખાતર ખેતરમાં વાપરવામાં આવે તો લાંબા સમય સુધી ખેડૂતને પરિણામ મળે છે તે ખાતર *ધીરે ધીરે જમીનમાં રિલીઝ* થાય છે તેને લઈ પાકની અંદર સારી અસર પણ દેખાય છે.

અત્યારે હાલ જોવા જઈએ તો બેક્ટેરિયા ઉછેર માટે નવા *બેક્ટોફાર્મ* ઘણા બધા વધી રહ્યા છે જ્યાં કુત્રિમ રીતે *કુદરતી બેક્ટેરિયા* અને ઉછેરવામાં આવે છે જેને *લિક્વિડ* સ્વરૂપે, *પાવડર* સ્વરૂપે કે છૂટા *દાણાના* સ્વરૂપે અલગ અલગ રીતે તેનો ગ્રોથ વધારવામાં આવે છે અને આવા *બેક્ટેરિયાનો* ઉપયોગ *જૈવિક ખેતી નિર્માણ* કરે છે અને *જૈવિક પાકના બજાર* ધીરે ધીરે હવે વિસ્તૃત થઈ રહ્યા છે રસાયણીક ખાતરના ઉત્પાદન અને જૈવિક ખાતરના ઉત્પાદનથી જે પાક તૈયાર થાય છે તેમાં *જૈવિક પાકના સારામાં* સારા ભાવ અત્યારે હાલ બજારમાં જોવા મળે છે. 

સમજવા માટે *રાસાયણિક ખાતરના ઘઉં* લઈએ તો લગભગ 500 રૂપિયાની આસપાસના ભાવ હોય છે જ્યારે *સંપૂર્ણ જૈવિક ઘઉંનો* ભાવ લગભગ 1100 રૂપિયાની આસપાસ રહે છે.

છેલ્લે એટલું જરૂર કરીશ કે વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસેથી અને અનુભવી ખેડૂત પાસેથી યોગ્ય જાણકારી લઈ બિયારણ, ખેતીની પદ્ધતિ અને સાથે સાથે સમયાંતરે યોગ્ય ખાતર અને પાણીનો કેવી રીતે વપરાશ કરવો તે જાણી યોગ્ય આયોજન કરીએ તો સારામાં સારો પાક અને સારામાં સારું વળતર એ આ *ભૂમિ પુત્રને* એટલે કે *ધરતી પુત્રને* મળી રહે છે..

જે. એન. પટેલ (જગત)

માણસ...

માણસ છે થોડો અતિરેક તો કરશે..

સાલસ છે સૌને લગીરેક તો નડશે...

મફતિયા વૃતિ તો ઘર કરી ગઈ છે..

બીજું મળે કે ના મળે ઈશ્વર તો જડશે..

કર્મોનું ગણિત પણ કોને આવડે છે..!

બાકી જે છે ચિત્રગુપ્ત ગુપ્ત તો ભરશે...

ઈશ્વરને આવવું હોય તો ભલે આવે..

શ્રદ્ધામાં જ હવે અંધશ્રદ્ધા તો ભળશે...

જગતની જવાબદારી ને કોણ લેશે..!

મારાથી જ મારામાં મારો હું તો મળશે...jn

જે. એન. પટેલ (જગત)

Sunday, July 9, 2023

અંશ...

અહંકાર ન જાગે એવો અંદરથી જગાડજે..

તારા જ તાલે ને તારી જ ચાલે ભગાડજે...

ભોગી રોગીને જોગી બનીને બેઠો માનવ..

સંસ્કૃતિના રક્ષણ કાજે રણસિંગા વગાડજે..

વળાંકે વળે ઢાળમાં ઢળે ને ચડાવવામાં પડે..

હણાઈ ગયેલા માનવના માનવ્યને જગાડજે...

નિસ્તેજ ને યંત્રવત્ બની રહી ગયું છે જીવન..

હૃદયથી હૃદયમાં બેઠેલા રામને હવે રમાડજે...

અવતાર થૈ અવતરણ કરવું જ રહ્યું તારે..

અંશ બનીને જગતને આજે કામે લગાડજે...jn


જે. એન. પટેલ (જગત)

Wednesday, May 24, 2023

સ્નેહમિલન...

સ્નેહમિલન તો એક બહાનું હતું સ્નેહીજનોને મળવાનું..

જાણતો જ હતો મળ્યા પછી કોઈ ક્યાં ચાહે પાછા ફરવાનું...

ખુશીઓના ખાબોચિયા ક્યાંક મળતા અને આજે દરિયો ભર્યો..

વહેતી રહી લાગણીઓ સાથે લઈને ક્યાં કોઈ ભરવાનું..

એક એક ચહેરાને અનન્ય ઉત્સાહથી છલકતા જોયા છે..

હસતા ચહેરા એ છલકતી આંખે પાછા વળવાનું...

સમયને બાંધવો તો પણ ક્યાં કોઈની પાસે એવો રસ્સો હતો..

ટેકનોલોજીના માધ્યમથી ક્યાં ચૂક્યા છે કોઈ એને કેદ કરવાનું...

જગદીશનું જગત આજે ત્યાં જ અટવાયેલું છે સ્નેહમિલનમાં..

ઈશ્વર ચાહે વરસ ક્ષણમાં ચાલ્યું જાય ને થાય ફરી મળવાનું..jn


જે. એન. પટેલ (જગત)

Friday, May 19, 2023

નવસર્જન...

દેશ પરદેશ જઈને એ

નવસર્જન આજે કરતો

સૌને સાથે લઈને ચાલે..

હૈયે સૌના આનંદ ભરતો..


સાથે મળી થયું નવસર્જન..

રાષ્ટ્રને કર્યા સૌ એ વંદન..

ઉત્સવનું ત્રિવેણી સંગમ..

છાંટ્યું જાણે આજે ચંદન...


વિશ્વ વિક્રમનું સર્જન કર્યું...

આનંદ અશ્રુ આંખેથી સર્યુ...

ગુજરાતીનું ગૌરવ થઈને..

શબ્દોનો પૂજારી સરતો..


આનંદ આવ્યો આંગણે મારા..

શબ્દો સૌ સંતાયા સારા...

કર્ણાવતી પણ થઈ છે ઘેલી..

હૈએ આવી એના હેલી...


પ્રાચીન વારસો સૌને જણાવે..

ગુજરાતી સુગંધ સૌને મણાવે...

વૈદિક સંસ્કારોને વાવે...

જાણી જગતનો નાથ આવે...jn


જે. એન. પટેલ (જગત)

કરુણા...

 એક અનુકંપા દિલમાં એવી જાગેલી..

હસતાં હસતાં જિંદગી એણે માગેલી...


રોજ સવારે નવા જોમ સાથે મળતી...

અચાનક નજર સામે જાણે ભાંગેલી...

એક ઉદાસીન ચહેરાની રેખા વાંચી..

કાણા ખીસ્સાની કિંમત પછી લાગેલી...

જે ક્ષણ માં એક જિંદગી ત્યાગી હતી 

ત્યાંજ એક ઝીણી ક્ષણ મને વાગેલી...

દયા કરું દુઆ કરું કે પછી ડહાપણ..

જગતમાં જીવવાની ઝંખના જાગેલી...jn


જે. એન. પટેલ (જગત)

Saturday, April 29, 2023

એક કાગળ હરીવરને..

જાણ્યું છે હૈયામાં હૈયાથી હૈયાને હૈયાનો વાંધો પડ્યો છે..

એટલે જ શ્રદ્ધામાં શ્રદ્ધાથી શ્રદ્ધાને શ્રદ્ધાનો સાંધો જડ્યો છે..

એક માણસ ઝેર પીવે છે ને નીલકંઠ બની પૂજાય છે..

માણસમાં માણસથી માણસને માણસનો અહં નડ્યો છે.

એક કાગળ લખવો છે હરિવરને હળવેકથી એકાંતમાં..

જાત સાથે જાત ઘસીને જાતના નામે જાતે લડ્યો છે...

ધર્મના કુંડાળા દોરીને ધર્મની સ્પર્ધાઓ કરાવે છે...

તારો જ અંશ તારો જ વંશ તારા જ સામે ચડ્યો છે..

પથ્થરમાં પરમેશ્વર ને વૃક્ષમાં વાસુદેવને જોવાવાળો..

જીવને જાણી જગતને માણી વાણીથી રડ્યો છે...jn


જે. એન. પટેલ (જગત)

Thursday, April 27, 2023

સંવાદ...

કરી કરીને થાક્યો છું હું ઈશ્વરને અરજી..

વળી વળીને રાહ જોઉં બાકી તારી મરજી...

અંતરથી અંતરના અંતર હવે વધી રહ્યા છે..

ભરી ભરીને ભાવો લાવે છે દુનિયા ફરજી...

અહીં તહીં ભટકે કાળા માથાનો માનવી..

વાતો વાતોમાં જાણે સુખમાં જાય સળગી...

મંદિર મંદિર દોડે પથ્થર એટલા દેવ પૂજે..

રમતા રમતા હવે ક્યાં આનંદ ભરે ગુંજે...

જગત બગડ્યું જગત બગડ્યું સૌ કહે..

શું શું કર્યું તે આવી મુજને ઈશ્વર પૂછે...jn


જે. એન. પટેલ (જગત)




Wednesday, April 26, 2023

શતાયુ વંદન...

શતાબ્દી મહોત્સવ...


ઋષિઓ કેરી રાહે ચાલ્યો..

ધર્મ તણો એ રક્ષક બન્યો.

આનબાન શાન છે જેની

સનાતની જે થઈને ગવાયો..


પથ્થરને પાટુ એ મારે

પેદા કરવાનું જે જાણે...

અહંકારનો ઝભ્ભો મેલી 

સૌને સાથે લઈને ચાલે...


રમતાં રમતાં જીવન જીવે..

ભોલો થૈ ઝેરના ઘૂંટ પણ પીવે..

ભારત ભરની ભોમ આવે..

નાના મોટા સૌ ને લાવે...


જીવ જગત જગદીશને જાણ્યા 

સંબંધોની જે સમજણ પામ્યા..

સનાતની સૌ ભેળા મળીને..

શતાબ્દી મહોત્સવ કરવા આવ્યા..jn


જે. એન. પટેલ (જગત)

Friday, April 7, 2023

મને ન સમજાયું...

જીવન છે જીવવા જેવું મને ન સમજાયું...

મોત તો છે માણવા જેવું મને ન સમજાયું...

શ્રદ્ધા પૂર્ણ છે ઈશ્વરમાં શંકાને સ્થાન નથી..

મંદિરમાં દેવ પૂજવા જેવું મને ન સમજાયું...

સૃષ્ટિનો ચાહક છું વેદોનો પણ વાહક છું...

માણસે માણસ થવા જેવું મને ન સમજાયું...

કર્મોમાં પણ ગણિત જેવું કંઈક હોય છે...

ઝેર પી શંકર બનવા જેવું મને ન સમજાયું...

હું જ અંશ હું જ વંશ ને હું જ અવતાર..

જગતમાં મને જ મળવા જેવું મને ન સમજાયું...jn

જે. એન. પટેલ (જગત)

Thursday, April 6, 2023

હું જ છું...

શબ્દોને ભેળા કરીદે તો હું જ કવિતા છું...

શબ્દોને ક્રમબદ્ધ સજાવ તો હું જ ગઝલ છું...

શબ્દોનો પ્રાસ પકડ તો હું જ અલંકાર છું...

શબ્દોથી વાતોને વાળ તો હું જ અછાંદસ છું..

શબ્દોના સત્તર અક્ષરમાં હું જ હાઇકુ છું...

શબ્દોનો મુક્ત વિચાર વહે તો હું જ મુક્તક છું..

શબ્દોનો રંગ ચડે ભગતને તો હું જ ભજન છું..

શબ્દોનો તાલ ઢોલે ચડે તો હું જ ગરબો છું...

શબ્દોનો રાગ બનાવી ઢાળ તો હું જ ગીત છું..

શબ્દોના જગતમાં હવે લખું તો કવિ પણ છું...jn

Tuesday, April 4, 2023

રામ-સીતા...

કહી દો જગતને રામ સીતા જેટલો વનવાસ લાવ્યો છું..

ઋષિઓની ભૂમિ છે આ વેદો કેરો વિશ્વાસ લાવ્યો છું...

હૃદયમાં બેઠો છે રામ એ સમજણનો પાસ લાવ્યો છું..

જાતને હણે એવા જટાયુને લડવા માટે ખાસ લાવ્યો છું...

શબરીની જાત હવે ક્યાં શોધવી અને મળશે પણ ક્યાં..?

શોધતો મારીચને આવશે રામ એવી આસ લાવ્યો છું...

લક્ષ્મણ રેખા જોઈ આજે પણ રાવણ બીતો રહ્યો છે..

જાતને બાળે અંગદ જાંબુવન ને હનુમાન જેવા દાસ લાવ્યો છું...

તારું જ નામ તારું જ કામ જ્યાં સુધી હૃદયમાં વસ્યો છે રામ..

છોડી જગતની ઝંજાળો નામે તારા શ્વાસે શ્વાસ લાવ્યો છું...jn

જે. એન. પટેલ (જગત)

Thursday, March 16, 2023

વાત વાતમાં....

વાત વાતમાં એવી કેવી વાત થાય છે..

ને પછી રોજે રોજ મુલાકાત થાય છે...

ભૂખ તરસ ને ઊંઘ પણ હણાઈ જાય છે..

પ્રેમ જેવી જ્યારે ત્યારે શરૂઆત થાય છે...

ચાંદ તારા અને સાથે સાથે સુર સંગીત..

પુષ્પો સંગે હોંસે હોંસે કાયનાત થાય છે...

નવું નવું નવ નવ દાડા લાગ્યા કરે છે.‌.

માહ વીત્યો એ જીત્યો નૈ તો કયામત થાય છે..

ચાઇના જેવું જગત ચાલે તો ચાંદ સુધી..

નહીં તો સામે સામે મુક્કા લાત થાય છે...jn

જે.‌ એન. પટેલ (જગત)

Tuesday, March 14, 2023

આદિત્ય....

અરુણની સવારીને જગત આખું નમે છે..

સંધ્યાના પાલવમાં છુપાવવું મને ગમે છે...

માથે ચડીને ફરતો ને ભઠ્ઠ બનીને તપતો..

ડૂબતા ભાનુની લાલીમાંને સૌ ખમે છે...

સ્થિરતાને અસ્થિરતાનું ગ્રહણ લાગ્યું છે..

માનવ આદિમાનવ થઈ રોજ ભમે છે...

અસ્તના અસ્તિત્વને કોણ ઓળખે છે..!

અંધારાને ઓઢી રોજ સવાર જેને નમે છે....

જગદીશ ને જગત જેને લાગે છે પોતાના..

જીવનના સંઘર્ષોને રમતની જેમ રમે છે...jn

જે‌. એન. પટેલ (જગત)

Saturday, March 4, 2023

કાળ.. સમય...

વૈભવ આજે હેલીએ ચડ્યો છે...

વિચારોનો જાણે દુષ્કાળ પડ્યો છે...

ભોગી રોગી ને જોગીનો જમાનો છે...

ગૌતમ બનીને હવે કોણ લડ્યો છે..

કહેવાતો સંસ્કૃતિનો વાહક ભલો..

ભીષ્મ મસ્તીની સૈયાએ ચડ્યો છે..

ઈતિહાસ પણ એનો જ લખાય છે...

ઈશ્વરે જ જેને ફુરષદથી ઘડ્યો છે..

અસ્મિતા તેજસ્વીતા ક્યાં છે જગતમાં..

મસ્તીમાં મસ્ત માણસ અંદરથી સડ્યો છે...jn

જે. એન. પટેલ (જગત)

Thursday, March 2, 2023

શિર્ષક - કંકોત્રી

 ચંદ્રની સાક્ષીએ હાથ જાલશે..

અધરની ઉષ્મા માંગ સજાવશે..

હૃદયના સ્પંદન વેદોચ્ચાર કરશે..

વિશ્વાસની મેદની આશિષ આપશે...

તારલાઓ પુષ્પ વર્ષા કરશે...

નભમંડળ આવી શોભા વધારશે...

કલ્પનાઓનું આખું નગર...

સુરજ આવીને ચમકાવશે...

જગતમાં પ્રેમની મહેક માણજો..

*કંકોત્રી* તમારા આંગણે આવશે...jn

જે. એન. પટેલ (જગત)

Friday, February 10, 2023

સ્વાગતમ્...

સ્વાગતમ્... સ્વાગતમ્... સ્વાગતમ્...

સુરજની સવારી આવી...

કિરણોને સંગે લાવી...

અભિવાદન કરીએ આજે

શબ્દો પણ બંધન બાંધે..

સ્વાગતમ્... સ્વાગતમ્... સ્વાગતમ્...

સ્વાગત છે આજે તમારું..

સૌભાગ્ય એ જ અમારું..

પુષ્પો વરસાવી ધરીએ..

ને...ભાવથી સ્વાગત કરીએ..

સ્વાગતમ્... સ્વાગતમ્... સ્વાગતમ્...

પાટીદારની જે શાન છે..

ગૌરવનું એ ગાન છે...

માં ઉમિયાના સંતાન છે..

પ્રમાણિકતાનું પ્રમાણ છે..

સ્વાગતમ્... સ્વાગતમ્... સ્વાગતમ્...

ઋષિઓ કેરી રાહે ચાલ્યા..

ધર્મ તણા એ રક્ષક બન્યા..

મિશાલ જગતની એ જણ્યા..

પૂજાયા પત્થરમાં પાળીએ ચણ્યા...

સ્વાગતમ્... સ્વાગતમ્... સ્વાગતમ્...

Friday, February 3, 2023

પ્રેમ પર્વ...

તમે એકવાર પ્રેમનો દીપક ત્યાં પ્રગટાવ જો..

અજવાળું જગતમાં આપોઆપ થઇ જશે...

તમે એકવાર પ્રેમ કેરો ઉત્સવ ત્યાં મનાવજો..

આનંદ ભરેલું જગત રાતો રાત થઈ જશે...

તમે એકવાર પ્રેમ તણાં પુષ્પો ત્યાં લગાવજો..

બંજર થયેલું એ જગત આખો બાગ થઇ જશે...

તમે એકવાર જાગતી આંખે સમણું ત્યાં સજાવજો..

પ્રેમના નશામાં જગતની આંખો લાલ થઈ જશે...

તમે એકવાર ખુદને જગદીશનું સાધન બનાવજો..

જગત તમારું પ્રેમનો પર્વ આપોઆપ થઈ જશે...jn

Sunday, January 29, 2023

નામ...

પથ્થર પણ તરે છે જ્યારે લખાય છે રામ..

માણસ પણ ફરે છે જ્યારે થઈ જાય છે કામ...

તમને ચાહવાની એક આદત રહી છે ખરાબ..

નશો ચડી જાય છે જ્યારે ભરાય છે જામ...

શાંત ઝરૂખે વાટ ક્યાં જોવાય છે હવે તો..

મેદની પણ મળે છે બસ અપાય છે દામ...

દિલના બજારોના હવે ભરાતા નથી ક્યાંય મેળા..

પથ્થરને પૂજો બસ આપોઆપ રચાય છે ધામ..

આજે પણ લખવા ચાહો તો લખજો હુંડી પર.

ભરોસો કરે છે જગત જ્યાં લખાય છે નામ...jn

જે. એન. પટેલ (જગત)

પ્રેમ એટલે...

આજે 

પણ 

તારા

સ્મરણ

માત્રથી

મારામાં

એક નવું 

જોમ

ઉત્સાહ

ચૈતન્ય

ને સ્ફુર્તિ

જાગે છે....jn

Saturday, January 28, 2023

દેશની માટી....

તિરંગામાં 

એક વધુ રંગ 

લાગ્યો ને 

હજારો હૈયા

ભીંજાતા આક્રંદ સાથે 

ગર્વ અનુભવતા  

કેટલાયની આંખોમાં

મારા પ્રત્યેનો 

અવિરત સ્નેહ 

નીતરતો જોયો 

અને પછી 

દેશની માટીમાં જ 

મારા દેહની સુગંધને 

વિલીન થતી

જગતે માણી છે...jn


 

Thursday, January 26, 2023

આન બાન શાન....

મા ભારતીને કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવ્યો છું..

આંખોમાં ઉલ્હાસ ને હૈયે શાતા ભરવા આવ્યો છું..

ધરતીના રુંવાડા જાણી પુલકીત થયા છે આજે...

આઝાદીના અમૃતને રક્ત બુંદ ધરવા આવ્યો છું...

દૈવત્ત્વ જેવું કંઈક છે માં ભારતીની કોખમાં જ..

કુમારિલની જેમ હસતાં મુખે બળવા આવ્યો છું...

તિરંગાનો રંગ જાણી ઉમંગ છલકાણો ત્યારથી.. 

રોમ રોમ નાચે ને હૈયાથી સલામ કરવા આવ્યો છું...

આન બાન શાન આજે પણ અલગ રહી છે જગતમાં..

તારા જ નામે તારા જ કામે શહીદી લડવા આવ્યો છું...jn

જે. એન. પટેલ (જગત)