Wednesday, November 30, 2022

માનવ...

ઘર છોડીને મકાન શોધવા નીકળ્યો છે..

માને ભૂલી માસીના મોહમાં મલક્યો છે..

ડોક્ટર વકીલ એન્જિનિયર ક્લાસ વન છું..

ભરેલો છું તોય અધૂરા ગડે છલક્યો છું...

સમય આવે ત્યારે જાત ઘસી નાખું છું..

એટલે જ કદાચ કોઈકની નજરે ખટક્યો છું..

તન રાધા મન મીરાં ને ધન છે હૈયું મારું..

કાયાની નગરી નો રાજા થઈ ભટક્યો છું..

હિંમત હણાઈ ગઈ છે હવે જગતની બધી..

ટટ્ટાર થઈને ચાલું છું ને અંદરથી બટક્યો છું...jn


જે. એન. પટેલ (જગત)

વિજ્ઞાન..

વિજ્ઞાનને કથા કહું કળા કહું કે આશીર્વાદ કહું..

જીવન ને જીવનની દરેક પળમાં એના વિના કેમ રહું..

ઉપગ્રહ છોડી શકું છું પણ પૂર્વગ્રહ નથી છોડી શકતો..

સાથ જોઈએ છે બીજાનો છતાંય એકલતાએ રહું..

ટેકનોલોજી નો ગુલામ બનીને બેસી રહ્યો છું..

ને બીજાને શિખામણ ના નામે સલાહ સૂચન કહું..

મંદિરની ભક્તિ હવે યંત્રોમાં વેચાઈ રહી છે..

શ્રદ્ધા ખોવાઈ ગઈ છે હું અંધશ્રદ્ધામાં અટવાઈ રહું..

વિજ્ઞાનની કથાઓ ચોપડામાં મઢાઈને રહી ગઈ છે..

જગત ના સમજે ઋષિઓનો રાહ તો કોને કહું...jn


જે. એન‌. પટેલ (જગત)

Thursday, November 17, 2022

શું થશે...?

જો આમને આમ હવે મળવાનું છે તો પ્રેમ થશે...

તારી આંખો સાચવજે નઈ તો નક્કી વ્હેમ જશે...

પ્રેમનો સવાલ છે જરીક નજીક આવ તે પ્રેમની રીત છે..

આમ તો તું પણ જાણે છે જે હસે તેનું જ ઘર વસે...

લાગણીઓ ના બંધન બંધાયેલા હોય એ પાકું..

એમ અમસ્તાં વાતો વાતોમાં ગમતું થોડું હશે...

હા મને તારી સાથે વાતો કરવી ખૂબ ગમે છે...

આજે જ ખબર થઈ એકલતા પણ કેમ હસે...

નિજાનંદ પરમાનંદ આનંદની તૃપ્તિ ઝંખાય છે..

આપણે આમ જ રહેવાનું જગતનું જે થવું હોય તે થશે...jn

જે. એન. પટેલ (જગત)

પાંદડા...

 પાનખર સાથે ખરતા પાન અમે જોયા છે..

વસંત સાથે ડોકિયા કરતાં પાન અને જોયા છે...

ઉજ્જડ બની રહી જાય છે જીવન કેરો બાગ..

રોજ સવારે ઈશ્વરને ચડતા પાન અમે જોયા છે..

તે ક્યારેય ખાલીપો જોયો છે ઘરના ખૂણાનો...??

વધતી ઉંમર સાથે ઢળતાં પાન અમે જોયા છે...

બુંદો બનીને જ્યારે ઈશ્વર સ્પર્શ કરે છે..

તાજગીની મસ્તી ભરતાં પાન અમે જોયા છે...

દુઃખ વેઠીને જગતને સુખ આપવાની આદત છે..

ભર બપોરે ભઠમાં તપતા પાન અમે જોયા છે...jn

જે. એન. પટેલ (જગત)

માનવી...

 મેંદી નાખી માથાના વાળ કાળા કરાવે છે..

મને કે ક'મને ઢળતી ઉંમરે માળા ફરાવે છે..

ઘર જમાઈ જેમ પડ્યા રહે છે બાપના ઘરે..

નસીબના બળિયા છે જેને સાળા ફરાવે છે..

ઉભા હાડકાનો થઈ ગયો કાળા માથાનો માનવી..

કામ નામે ખર્ચા કરાવી ને પછી તાળા મરાવે છે..

હણાઈ ગઈ છે હૈયાની ખુમારી હવે ક્યાં શોધો.!

મફતિયા ને કરોળિયાની જેમ જાળાં કરાવે છે...

જગતની ઉડાન કેટલી, કોણ જાણી શકે છે..!

પંખીના પણ હવે ઘરમાં માળા ભરાવે છે...jn

Friday, November 11, 2022

ગ્રહણ ...

સામર્થ્યને અસમર્થનું ગ્રહણ લાગ્યું છે..

પાવિત્ર્યને અપવિત્રતાનું ઝરણ લાગ્યું છે..


ધર્મ અર્થ કામ ને મોક્ષની સાથે કોણ ચાલે..!

સત્તાને આંધળી દોડનું હરણ લાગ્યું છે...


શ્રધ્ધા વેચાણમાં મળે ને સાથે વેપાર..

કંકુ વેર્યાની વાત સાથે ચરણ લાગ્યું છે...


જગત દંગ છે જ્યારથી જીવન જંગ છે..

ભક્તિના ઘોડાપૂરનું શરણ લાગ્યું છે...jn


જે. એન. પટેલ (જગત)

ભારત ભોમ

*મલ્હાર* છેડાય ને બુંદો વરસે હવે ક્યાં એવા રાગ છે...

મિશાલ બને ને ઇતિહાસ રચાય હવે ક્યાં એવી આગ છે...


ગીતાનો ગાનાર અવતરણ કરવા થનગની રહયો છે..

સુદામાની સાથે મીરાંની ભક્તિ, ક્યાં એવી માંગ છે..!


કસ્તુરીની મહેક શોધવી છે પણ ત્યાં સુધી નથી કોઈ ઠેકાણું...

હૈયાથી હૈયાની સુગંધ ને હવે ફૂલોના પણ ક્યાં એવા બાગ છે...


માણસને માનવ્ય ને માણસાઈના પાઠ કોણ ભણાવે..?

છલકે ખુમારી ને માથું સદાય ઉપર ક્યાં એવી પાઘ છે..!


તેજસ્વીતા તપસ્વીતા અસ્મિતા હર કોઈ ઝંખે છે જગતમાં...

*दुर्लभम् भारते जन्म* સૌ કોઈના ક્યાં એવા ભાગ છે...jn

*✍️નામ:જે. એન. પટેલ (જગત)*

Friday, November 4, 2022

મજા...

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,

હારેલી જીંદગી જીવવાની પણ મજા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર.!

તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મજા અનેરી હોય છે.

તમામ ઉંમર જેને પામવાની તડપ હોય પરંતુ,

તેને મેળવીને ગુમાવાની પણ મજા અનેરી હોય છે...

બે હાથ વડે જીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,

છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મજા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામેછે,

કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મજા અનેરી હોય છે.

દુનીયાજીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં

એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મજા અનેરી હોય છે…jn

જે. એન. પટેલ (જગત)

Thursday, November 3, 2022

આરંભ...

ઋષિઓ કહેતા આરંભે શુરા..

વડીલો કહેતા વહેલા તે પહેલાં..

સમય કહેતો શરૂઆત સારી..

માણસ રહેતો ભરીને ખુમારી...

વહેલો ઉઠે તે વીર કહેવાય..

મોડો આળસુનો પીર કહેવાય..

પ્રારંભે જાગ્યા ત્યારથી સવાર છે..

નહીં તો જાણે રોજે રવિવાર છે...

દિવાળી જીવનમાં તો રોજ ઉજાસ છે..

જગત મારું લાગ્યું તો રોજ પ્રભાસ છે...jn

જે. એન. પટેલ (જગત)

માણસ...

કડવા ઘુંટ પીધા એનો ક્યાં કોઈને વાંધો હતો..?

પીધા પછી અમે હસતાં એ જોઈને વાંધો હતો...

સૌ જાણે છે આદતોને અમારી આજે પણ,

ભામાશા બન્યા પછીએ ખોઈને વાંધો હતો...

માણસાઈના નામે માણસ હવે ક્યાં મપાય..!

યંત્રવત જીવનનો હવે ક્યાં કોઈને વાંધો હતો..!

હસતા મોઢે પીધો હતો અમે એ ઝેરનો કટોરો.!

જિંદગીનો જુગાર જીત્યા  ત્યાં લોહીને વાંધો હતો...

અંતિમ ચરણમાં ચાલતું તું આખું જગત અમારું,

દિલના દર્દને ઠલવ્યા એનો રોઈને વાંધો હતો...jn


Wednesday, November 2, 2022

જીવન...

એક વિર ચાલ્યો ગયો અનંતના આકાશે...

ધબકે છે વિચારો એના શ્વાસે શ્વાસે...

કાંટાળી કેડીને બનાવ્યો છે રાજમાર્ગ..

અંતરથી અંતરના દિપ આજે પ્રકાશે...

અવતાર એળે જાય એવું જીવન નથી..!

માનવથી મહામાનવનો ઈતિહાસ રચાશે..

વિચારો ક્યાંક રહે ના માત્ર પુસ્તકમાં..!

કે પછી મંદિરો જ માત્ર એના બંધાશે...!

કામ કરી હાક પ્રભુને મારવા છું તત્પર..

જીવું છું જીવન જગતનો નાથ લે પાસે...jn