Thursday, August 10, 2023

હું છું પાકો ગુજરાતી...

*હું* પણાનું જેને ગૌરવ છે.

*છું* હું દેશની શાન એવો લલકાર છે.

*પા* ણીદાર જેની વાણી છે.

*કો* શિષોમાં પડકારને જીલે છે.

*ગુ* રુતા લઘુતાનો જેને ભેદ નથી.

*જ* કાર જેના નશે નસમાં ભરેલો છે.

*રા* હ મુશ્કેલીઓથી ભરેલી હોય છતાં બે ફિકર થી ચાલે છે.

*તી* ક્ષ્ણ થઈને જે તપ કરી જાણે છે.

ગુજરાતી હોવાનું ગૌરવ કોણ જાણી શકે..!! 

માત્ર ને માત્ર એક ગુજરાતી જ જાણી શકે.

નરસિંહના નામે હૂંડી ફરે છે અને દ્વારિકાનો નાથ એના નાણા ભરે છે.

સોમનાથના સીમાડાનો શું હિસાબ જગત આખું જેને રોજ નમે છે. 

કાઠીયાવાડનો કોઈ મહેમાન બને તો ભોજન સાથે ભાવથી તૃપ્ત થઈ ભમે છે.

ભૂલ આવી હોય તો રાતભર પડખા બદલ્યા કરે તે ભૂલ સંબંધોની હોય કે પછી સમજણની કે પછી હિસાબોની હોય. 

ભાઈઓના ભાગલા થાય ત્યારે મોટો મોટાઈ ના ભૂલે અને નાનો મોટાને ના ભૂલે આવા તો છે હિસાબોના *પાકા ગુજરાતી* .

અમારા અમદાવાદના દાખલા આપે લોકો તે પછી ચાય હોય કે ચટાકેદાર નાસ્તા.

હિસાબો અમારા પારદર્શક અને ભાલા જેવા ને ક્યાંય કોઈ ભૂલમાં પણ કચાશ ન આવે અને એટલે જ દુનિયા *પાકા ગુજરાતીના* ઉપનામ થી બોલાવે.

જગતનો નાથ પણ સામે આવીને ઊભો રહીને બોલે કે બોલ બોલ તારે શું જોઈએ તો એને પણ મફતમાં ના કહેવાની હિંમત રાખવા વાળો *હું છું પાકો ગુજરાતી.*.. jn


જે. એન. પટેલ (જગત)

તૈયાર છે..

 પર્વત ઝુકવા તૈયાર છે સમુદ્ર સુકાવા તૈયાર છે

રામ આવે આ ધરતી પર સીતા લંકામાં રહેવા તૈયાર છે..jn

નશો...

ભક્તિનો પણ નશો ચડે છે ને પથ્થર પણ તરે છે જ્યારે લખાય છે રામ...

પ્રેમનો પણ નશો ચડે છે ને માણસ પણ ફરે છે જ્યારે થઈ જાય છે કામ..


શ્રદ્ધા મફતમાં મળે છે ને અંધશ્રદ્ધાના દામ બોલાય ને વેચાય પણ છે..

ધર્મના ધુતારા ગલીએ ગલીએ ફરે છે ને રાતોરાત બની જાય છે ધામ...jn

ટપાલ....

એક આખું ચોમાસું મોકલ્યું છે ટપાલમાં..

અને એક તમે કાયમ રહો છો ધમાલમાં...

સૂમસાન રસ્તા પર રાતભર રઝળ્યા કરું..

ઝલક મળે અચાનક તમે આપેલા રૂમાલમાં...

આંખનો ઈશારો હજી રોમે રોમ જામેલો છે..

રાત આજે પણ જાગે છે તમે કરેલી કમાલમાં..

હૈયે મુશળધાર વર્ષા હજુએ જામેલી છે..

આતુર છે આંખો એ લટોની જમાલમાં...

ટેકનોલોજીના જગતનું શું કરવું છે મારે..

હાથનો સ્પર્શ છે તમારી આવેલી ટપાલમાં...jn

જે. એન. પટેલ (જગત)

ધરતીનો સાદ...


*जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।।* 

કહેવાય છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ વહાલી હોય છે. 

રામાયણ કાળમાં જ્યારે શ્રીરામ લંકા ઉપર વિજય મેળવે છે અને તે દરમિયાન સમગ્ર રાજપાઠ વિભિષણજીના હાથમાં સોંપે છે ત્યારે લક્ષ્મણજી પ્રશ્ન કરે છે ત્યારે લક્ષ્મણજીને શ્રી રામ કહે છે આ સુવર્ણમય લંકાને શું કરીશું આપણે અને એનું એક જ કારણ કે જનની અને જન્મભૂમિની *ધરા એને સાદ કરે છે.* 

માણસ ગમે ત્યાં જાય પુરી દુનિયા ફરે ત્યારે જન્મભૂમિની *ધરા એને સાદ કરે* અને અંતે દુનિયાનો છેડો એને માત્ર ને માત્ર ઘર જ દેખાય.

અને એમાં પણ વળી મારા જેવા તો કુદરતના ખોળામાં વસતા હોય પછી તો પૂછવું જ શું..?

અહીંયા તો ફેફસાને ફૂલીને ઊંડા શ્વાસ લેવાનું મન થાય છે.

ખુલ્લા પગે આ ધરતીમાં ડગલા માંડવાનું મન થાય છે.

સાત સમંદર પાર જઈને ભલે કોઈ બેઠો હોય પણ જ્યારે જ્યારે તેને નાની સુની પણ કોઈ મુસીબત આવે ત્યારે ત્યારે એ આ *ધરતીને સાદ કરે છે.*

શહીદ ભગતસિંહ જેવા વિરો હસ્તે મુખે જ્યારે ફાંસીના માંચડે લટકવા જાય છે ત્યારે આ *ધરતીને સાદ કરીને* કહે છે તારું ઋણ ચૂકવવા ફરીથી તારા ખોળામાં અવતરણ કરીશ. આવા વીરોના બલિદાનને આ *ધરતી સાદ કરે છે.*

વંદન છે આ ધરાને જ્યાં અવતારો થનગન્યા છે નાચ્યા છે.

આજે પણ કહું છું કે માતાના ધાવણ પછી આ *જગતમાં* જો કોઈ શ્રેષ્ઠ ટોનિક હોય તો તે માતૃભાષા અને માતૃભૂમિનો પ્રેમ છે..jn

જે. એન. પટેલ (જગત)