Friday, June 24, 2022

ઈશ્વર સાથે ચેટિંગ...

માતાના ઉદરથી લઈને અઘોરીના મંદિર સુધીની સફરની જવાબદારી તારી રહેશે.

બાળક બનીને અવતરણ ભલે કરીશ પણ મારા કાલાઘેલા શબ્દો સાંભળવાની જવાબદારી તારી રહેશે.

ભણતર સાથે ગણતર તેમજ સમય સાથે સમજણ આપવાની જવાબદારી તારી રહેશે.

જીવન રૂપી ભવસાગરમાં હું પડીશ પણ જીવન નૈયાને હાકલવાની જવાબદારી તારી રહેશે.

ટેકનોલોજી ભણાવવાની તું બિલકુલ ચિંતા ના કરતો એ માતાના ઉદરમાંથી ભણવાની જવાબદારી મારી રહેશે.

ભોગવાદના વાયરામાં ફંગોળાઈ ગયું છે જગત એને ભાવ સમજાવવાની જવાબદારી કોની રહેશે...!!


જે. એન. પટેલ (જગત)

મારું બાળપણ... ગઝલ

ભીંત આખી ધ્રૂજતી જોઈ છે અમે..

બાળપણની મોજને ખોઈ છે અમે...

આંખ આડા કાન રાખી ચાલતી..

રાત આવી કેટલી રોઈ છે અમે...

હક હતો ક્યાં આશ બાંધી ક્યાં હતી..?

તૂટતા તારે ધરી જોઈ છે અમે...

બાલતરુ જેવું જીવન આવ્યું ભલે...

વાયરાના વ્હાલથી બોઈ છે અમે...

કોણ જાણે કોણ માણે આ જગત..!

બાળપણની મોજને ખોઈ છે અમે...jn

જે. એન. પટેલ (જગત)

આવજે... ગઝલ..

આવજે તું દોડતી, આ હ્રદયની ચાહ જો...

આ નથી મારો સમય, તું સમયની રાહ જો...

વાયદો કરવા ફરીથી મળીશું આ ભવે..

કેટલી હૈયે છે તારા, ખમેલી આહ જો...

તું એ જાણે છે ને હું પણ એ જાણું તો ખરો...

આ જનમની યાદમાં પણ વિતેલી તાહ જો...

શાંત થઈ બેઠું છે આ મન હવે તો યાદમાં...

ભાળ પડશે એ પછીથી મળેલી વાહ જો...

છે ભરોસો એ જગત પર ને મારા પ્રેમ પર..

ચાલ એવી ચાલ પાછી હ્રદયની ચાહ જો...jn

જે. એન. પટેલ (જગત)

Saturday, June 18, 2022

ચાલ બેસીએ...

 ધુમ્મસને પેલે પાર જઈ ફરી બેસીએ...

તારું મારું નહીં આપણું કરી બેસીએ...

ધરાને આકાશનું મિલન છે ક્ષિતિજ..

સમજણના ભાવ સંગ સરી બેસીએ...

વેદોની વાણી વહી છે એ ભોમમાં..

કૃષ્ણની ગીતાનો સાર ભરી બેસીએ...

રામ થઈ વસે મારામાં શોધવો ક્યાં..!

કામ કરું હાક મારી જાત ધરી બેસીએ...

ચાલે છે સંઘ સદા જગતનો નાથ..

ઝાલ્યો હાથ, ભવસાગર તરી બેસીએ...jn

જે. એન. પટેલ (જગત)


આષાઢી હેલી...

આષાઢનું આમંત્રણ તને યાદ કરે છે..

મોરલાના ટહુકારા તને સાદ કરે છે...

આજે પણ એકલતામાં છું મારી..

હર પળ અહેસાસો મારા સંવાદ કરે છે...

ઓછું બોલવાની આદત રહી છે અમારી..

યાદોમાં પણ જોને તું વિવાદ કરે છે...

ભીની માટીની સુવાસ ને માણવી હતી..

અસાડી વાયરા ફરી-ફરીને ફરીયાદ કરે છે..

ફરી એકવાર ઘેલી કરવી છે જગતમાં.. 

આ વરસાદની હેલી તને યાદ કરે છે...jn

જે. એન‌. પટેલ (જગત)

Thursday, June 9, 2022

જનની.. ગઝલ..

એકલતામાં મારી વાતો કરતી...

હળવા આલિંગને બાહોમાં ભરતી...

ઈચ્છાએ મારી આજે પણ ભળતી..

ને મુરાદો માં એ તારો થઈ ખરતી...

જોયું છે જાનીવાલીપીનારા...

મેઘ ધનુષી રંગો છાંટી સરતી...

મેલો ઘેલો પાલવ જાલી ચાલતો..

જીવનની નૈયા ભવ સાગરે તરતી...

છે જ જગત જનની એવી જગદંબા..

માં મારી વા' થઈ મુજને સ્પર્શતી...jn

જે. એન. પટેલ (જગત)

Tuesday, June 7, 2022

સ્મરણ.... ગઝલ.

તમને તો ફૂલ દીધાનું યાદ નથી..

એની અમને કોઈ ફરિયાદ નથી...

એ સમયે એવો વા ચાલ્યો પણ છે...

ને આજે ત્યાંથી કોઈ વિવાદ નથી...

કોના બંધનમાં બાંધું લાગણીઓ..

જેને હૈયે કોઈની મરજાદ નથી...

આંખોની ભાષા સમજાઈ જતીને...

આજે તો ઈશારે પણ સંવાદ નથી...

આ જગત આખું એ મથ્યું છે આજે..

તમને તો ફૂલ દીધાનું યાદ નથી...jn

જે. એન. પટેલ (જગત)

Friday, June 3, 2022

પંખી....

નળ સરોવરના પંખી 

અમે તો નળ સરોવરના પંખી...

જળની છે જાત અમારી..

નડતર વિહોણી છે સવારી..

નળ સરોવરના પંખી...

ઉડવા માટે પાંખો આપી.. 

જોવા માટે આંખો કાફી..

નળ સરોવરના પંખી...

એક મેક નો છે સહારો..

હરેક છે કિનારો અમારો...

નળ સરોવરના પંખી...

નિત નિત નવા નવા મિત્રો મળતાં...

આંખોમાં નવો ઉમંગ ભરતાં..

નળ સરોવરના પંખી...

જગત આખું જોઈ હરખાતું...

અમે, જ્યારે વાદળ છલકાતું..

નળ સરોવરના પંખી 

અમે તો નળ સરોવરના પંખી...jn

જે. એન. પટેલ (જગત)