Wednesday, June 25, 2025

શીખવે છે..

 સમય માણસને ફરતા અને સરતા શીખવે છે..

ડૂબતા માણસને છબછબિયા તરતા શીખવે છે...

અધિરો બની રહી ગયો કાળા માથાનો માનવી.. 

ટીપે ટીપે સરોવર પણ ધીરજ ધરતા શીખવે છે..

જે. એન. પટેલ (જગત)

સમજણ...

 સમજીને ના સમજ બનવું એ ક્યાંય સમજણ છે..?

કહેવું છે ઘણું છતાંય ચૂપ રહેવું કેવી મૂંઝવણ છે..?

સામે હોય તો ઈશારો સમજુ એવું સહજ છે..

શબ્દોનો પુજારી શબ્દ શોધે કેવી પળોજણ છે..?

જે. એન‌. પટેલ (જગત)

Thursday, May 8, 2025

ઝંખના...

શબ્દો ક્યાં મળે છે કે જેને કાપી શકાય...

મિત્રો ક્યાં મળે છે કે જેને વાંચી શકાય...

કહેવામાં શું જાય છે કે પ્રેમ છે મને..

લાગણીઓને ક્યાંથી માપી શકાય...

દેખાડો કર્યા કરે છે કાળા માથાનો માનવ..

રસ્તા શોધે છે જ્યાં સંબંધોને કાપી શકાય...

ઈશારાની પણ ભાષા હોય છે ને..

બધું જ થોડું શબ્દોમાં છાપી શકાય..

જગતની ઝંખના બધા જ સમજે છે ને..

હરતાં ફરતાં આમ સૌને થોડી આપી શકાય...jn

જે. એન‌. પટેલ (જગત)

Tuesday, May 6, 2025

ગમે છે...

તારી સાથે વાતો કરવી રોજ ગમે છે..

જ્યારે જ્યારે તું આંખો સામે રમે છે..

અચાનક લાગણીઓ છલકી જાય છે..

ત્યારે હસતાં હસતાં આંખો જમે છે..

અંતરના ઊંડાણ ક્યારેય મપાતા નથી..

બંધન હોય તો માણસ આપોઆપ નમે છે..

રાહ જોવાની રોજે રોજ આજ સમયે..

ન આવે તોય રોજ રાહ જોવાની ગમે છે..

એક બે ધબકાર ચૂકી જાય છે હૃદય..

તોય જગત એ મીઠી વેદનાને ખમે છે..jn

જે. એન. પટેલ (જગત)

કુદરત...

 માણસ છે એટલે ગમે ત્યારે ફરી શકે છે..

કુદરત છે એટલે ગમે ત્યારે વર્ષી શકે છે..

ઢાળમાં ઢળે વળાંકમાં વળે ને ચડાવમાં પડે.

માનવ સ્વભાવ આવું ગમે ત્યારે કરી શકે છે...

પવનને પણ થયું હશે કે ગરમી છે તો ટહેલુ..

વંટોળ બનીને આમ ગમે ત્યારે સરી શકે છે...

વૈશાખી વાયરાને ડીજેનો તાલ નહીં ગમ્યો હોય..

એમ માની વાદળ પણ ગમે ત્યારે ગરજી શકે છે..

માણસ નાચે તો વરઘોડો અને કુદરતનું વાવાઝોડું..

જગત પણ સમય સાથે ગમે ત્યારે ફરી શકે છે...jn

જે. એન. પટેલ (જગત)

Saturday, April 12, 2025

આનંદ આનંદ...

કોઈ લખીને માણે..

કોઈ વાંચીને માણે..

કોઈ જાણીને જાણે..

કોઈ માણીને જાણે..

કોઈ લડે છે બાણે..

કોઈ સુવે છે બાણે..

કોઈ ભૂખ્યું ભાણે..

કોઈ ધરાયું ભાણે..

કોઈ આવે ટાણે..

કોઈ ચાલે ટાણે..

કોઈ ઘાયલ પાણે..

કોઈ પૂજાય પાણે...jn

જે. એન. પટેલ (જગત)

પ્રેમ...❤️

શોધીશ તો કોઈ તો મળી જ જાશે..

પણ મારી જેમ આમ પ્રેમ કોણ આપશે..!

પ્રેમથી જોવા વાળા ઘણાય હોય છે..

તને જોવા મારી આંખો ક્યાંથી લાવશે..!

પુરાવા માંગે છે લોકો આજકાલ પ્રેમમાં..

હૃદયમાં પ્રેમનો દસ્તાવેજ કોણ છાપશે..!

ફેશન થઈ ગઈ આજકાલ પ્રેમ કરવાની..

મારી તો જૂની રીત છે પ્રેમ કરવાની ફાવશે..!

પ્રેમમાં તો આખે આખું જગત પડ્યું છે..

છે તારી પાસે ફૂટપટ્ટી પ્રેમને કેમ માપશે..!.jn

જે. એન. પટેલ (જગત)

Friday, April 4, 2025

*KKp'S સુરાવલી પરિવાર મારું જગત*

આપણું *જગત* ભલે નાનું લાગતું હશે પણ *સંગીતનું જગત* ખૂબ વિશાળ છે એની *વર્ષાના* વાવાઝોડાની *કલ્પના વસંતના* વાયરાયે પણ નથી કરી *હૈદરાબાદ* હેલીયે ચડે ને *કોલહાપુરમાં* ઘોડાપૂર આવે *કલકત્તાનું* કાજળ *નૈનામા* ભરાય *પુનાનો* પાવર *નાસિકથી* નાચતો નાચતો *સગમનેરના* સંગમાં *ચીખલીની* ચિચિયારી માં *નવસારીના* નવરસમાં *બંસી* વાગે ત્યાં *વનિતા* ખીલે *વિનોદના* લટકામાં *સુરત* આખું *મદહોશ* થઈ જામ ભરીને જુમે એ જોઈ *કિશોરા* અવસ્થા એ *ચાંદ* ખીલેને એ જોઈ *રેખા* રાતોની રાત જાગે ને *મોડાસા* આખું એ ગાય એક રાગે *સુંદરકાંડ* સાંભળીને *અમદાવાદ* આગે ને આગે ગાય દુહા *દેહગામ* સાંભળીને આખી એ *ધરા* જાણે ધ્રૂજે ધડમ ધડમ ને *પ્રીતિનો* પ્રેમ પામી *દિપીકાના* દિપથી *જગત* મારું થઈ જાય માલામાલ...jn

જે. એન. પટેલ (જગત)

Monday, March 31, 2025

જીવન...

સાવ એવું તો થોડું હોય કે તું કે એ બધું જ મારે માની લેવાનું..!

ક્યારેક તો એવું પણ જીવન જોઈએ કે તું આવે ને માણી લેવાનું...

રોજ છપ્પન ભોગ મળે ને મોજ પડે એમાં કાંઈ નવું નથી હોતું...

ક્યારેક તત્વજ્ઞાન જેવું તો ક્યારેક સૂકા રોટલા સાથે પાણી લેવાનું...

આજકાલ રાફડા ફાટ્યા છે કવિઓના અને કવિતાઓના પણ..

ક્યાંક ચોરી તો ક્યાંક ઉઠાંતરી તો ક્યાંક પોતાનું જાણી લેવાનું...

ગંગા શુદ્ધ હોય ક્યારેક પાત્રના કારણે એમાં કચરો આવી શકે છે..

વિચારોના કચરાનું પોટલું ગંધાય, ક્યારેક જાતે જ તાણી લેવાનું..

જગત આખું ચાલ્યા કરે કોઈના વગર ક્યાં કોઈનું થંભી જાય છે..

હાથમાં પાણી જગદીશ જાણી વિચારો તાણી જીવન માણી લેવાનું...jn

જે. એન. પટેલ (જગત)

Saturday, March 22, 2025

હોવું જોઈએ...

રાહ જોવાની આવે એકલતામાં ત્યારે એમની આંખે ચોમાસું હોવું જોઈએ...

મળવાની વાત આવે ત્યાં હરખને મારે એમની આંખમાં આંસુ હોવું જોઈએ...

કોઈક ખાસ હોવું જોઈએ કલ્પના કે હકીકત પણ બારે માસ હોવું જોઈએ..

જિંદગીને મન ભરીને ચાહવા જીવન ભલે થોડામાં પણ ખાસું હોવું જોઈએ...

કોઈ કહે કેવું જીવ્યા કેટલું જીવ્યા કોની સાથે જીવ્યા એમાં કંઈ નવીન નથી.. 

વટ મારીને કહીએ એવું એક જણ સાથે જીવનનું એક પાસું હોવું જોઈએ...

પ્રેમ કરવા આખું જગત તત્પર છે ને એને તોડવા પણ આખું જગત તૈયાર છે..

હજારોની મેદની વચ્ચે પણ જોવે એક જણ એવું નજરનું ત્રાંસુ હોવું જોઈએ...

જીવને આવકારવા જગતનો નાથ હૈયે હામભરી હરખનો માર્યો તૈયાર હોય...

સ્વર્ગલોક હિલોળે ચડે આનંદે હૈયા ભરે ને ધરા પર ચોમાસુ હોવું જોઈએ...jn

જે. એન. પટેલ (જગત)