Saturday, July 4, 2020

"અનાથ નો સાથ"(ભાગ-૨)

(દીકરો લગ્ન કરી પોતાની પત્ની સાથે ઘરમાં પ્રવેશ કરે છે બધા જ સ્તબ્ધ થઈ જાય છે)
સૂર્યપ્રભા: બેટા જો તો ખરી આવું તો મેં સ્વપ્નમાં પણ ધાર્યું નહોતું
દેવ:(પગે લાગે છે) મમ્મી મને આશીર્વાદ આપ
(સૂર્યપ્રભા એક ડગલું પાછી ખસી જાય છે દેવ પપ્પા પાસે જાય છે)
દિવ્ય પ્રકાશ:(નિસાસો નાખી બેસી જાય છે) દેવ મારી પાસે ન આવીશ તને ખબર નથી તે મારી આબરુ ને નેવે મૂકી દીધી છે લગ્ન કરી મોટો આશિર્વાદ માગવા નીકળી પડ્યો છે
દેવ: પપ્પા આ વૈભવી છે હું તને ખૂબ પ્રેમ કરું છું તેની સાથે લગ્ન કર્યા એમાં તમારી આબરૂ ક્યાં નેવે મુકાઈ ગઈ આશીર્વાદ આપો પપ્પા (પગે લાગવા જાય છે બંને)
દિવ્ય પ્રકાશ: મારા આશીર્વાદ સસ્તા નથી કે તું ફાવે તેની સાથે લગ્ન કરે અને હું તેને આશીર્વાદ આપી સ્વીકારી લઉ
દેવ: મમ્મી પપ્પાને સમજાવને વૈભવી સારી છોકરી છે
સૂર્યપ્રભા: મને કંઈક સમજાય તો હું એમને સમજાવું તે તો મારા જ પગની નીચેથી જમીન ખસેડી લીધી છે તને મોટો આ દિવસ જોવા માટે નહોતો કર્યો તે તો મારા બધા જ અરમાનોનું ખૂન કરી નાખ્યું છે ખૂન
વૈભવી: દેવ તારી મમ્મી શું બોલે છે જાણે આપણે લગ્ન કરી કોઈ મોટો ગુન્હો કર્યો હોય
દિવ્ય પ્રકાશ: ગૂન્હો નહીં પણ માબાપની ઈચ્છાને, અરમાનને ઠુકરાવ્યા આવ્યા છે ધનશ્રી તારા આ નપાવટ ભાઈ ને કહી દે અહીંથી ચાલ્યો જાય
ધનશ્રી: પપ્પા તેને માફ કરી દો એ બંને જણ પ્રેમથી રહેતા હોય વૈભવીને પણ આપણી સાથે રહેવામાં વાંધો ના હોય તો તમને શું વાંધો છે
દિવ્ય પ્રકાશ: બેટા તને નહીં સમજાય એ કોણ છે કયા ખાનદાનની છે એ જાણ્યા વગર એને કેમ અપનાવાય
વૈભવી: પપ્પાજી હું બ્રાહ્મણ છું ઊંચા કુળ ની છું તમને મને પુત્રવધુ તરીકે સ્વીકારી જ પડશે
દિવ્ય પ્રકાશ: સ્વીકારવી જ પડશે એ કહેવા વાળી તું કોણ આ મારું ઘર છે અને અહીં મારી જ મરજી ચાલશે
સૂર્યપ્રભા: દેવ! તારા પપ્પાની વાત સાચી છે એ ઘરના વડીલ છે તે ભૂલ કરી છે તારે તેનું પ્રાયશ્ચિત કરવું જ પડશે (દિવ્ય પ્રકાશ પાસે જાય છે) તમે પણ નાહકની જીદ કરો છો હવે માફ કરી દો  અપનાવી લો પુત્રવધૂને આશીર્વાદ આપી દો
દિવ્ય પ્રકાશ: નહીં સ્વીકારવું એને હું(વેવાણ આવે છે)
વેવાણ: કેમ નહીં સ્વીકારો
દિવ્ય પ્રકાશ: તમે વળી કોણ છો?
દેવ: પપ્પા વૈભવ ની મમ્મી છે
વેવાણ: જય શ્રી કૃષ્ણ બેન હું વૈભવની મમ્મી છું તમારી વેવાણ
દિવ્યપ્રકાશ: તમારી દીકરી સાથે લગ્ન મારા દીકરાએ કર્યા છે પણ અમે તેને અપનાવ્યા નથી તમને વેવાણ શબ્દનુ સંબોધન કરવાનો કોઈ અધિકાર નથી
વેવાણ: કેમ નથી હકથી તમારી વેવાણ છું
દિવ્યપ્રકાશ: દેવ તને ખબર છે નાતે બ્રાહ્મણ છે પણ વિચાર અને સમાજમાં મોભો?
વૈભવી: તમારા ઘરની વહુ બની એટલે સમાજમાં મોભો વધી ગયો ખરું ને દેવ
વેવાણ: સાચી વાત છે બેટા
 વેવાઈ તમારો મોભો એ અમારો મોભો
દિવ્ય પ્રકાશ: હું દેવને પૂછું છું
દેવ: પપ્પા તમને સાચી વાત કરૂ તો વૈભવીના પપ્પા આખો દીવસ જુગાર રમવામાં જ કાઢે છે
દિવ્યપ્રકાશ: તને શરમ નથી આવતી આવા જુગારીને  મારા વેવાઈ બનાવું
વેવાણ: કેમ ના બનાવો વેવાઈ હું પણ જોઉ છું
સૂર્યપ્રભા: આટલો બધો હક મારવાની તમારે કંઈ જરૂર નથી
વેવાણ: શું કામ ના હોય? તમારા દીકરાએ ભૂલ કરી છે તેને તો તમારે ભોગવવી જ પડશે
સૂર્ય પ્રભા:(દેવ પાસે જઈને) શાની ભૂલ કરી છે બોલ દેવ શુ કામ મોં બંધ કરી ઉભો છે
વેવાણ: એ શું બોલે? હું જ કહી દઉં
દિવ્ય પ્રકાશ: એ શું કામ નહીં  બોલે ( દેવ પાસે જઈને) એટલો મોટો તે કયો ગુનો કર્યો છે તું બોલી પણ શકતો નથી
વેવાણ: એ નહીં બોલી શકે વેવાઈ કારણકે આ મારી ભોળી દીકરી તેના બાળકની મા બનવાની છે
(દિવ્ય પ્રકાશ અને સૂર્યપ્રભા સાથે બોલે છે)દેવ(નિસાસો નાખીને બેસી જાય છે)
સૂર્ય પ્રભા:(રડતા રડતા) તે તો સમાજમાં મોં બતાવવા જેવા પણ ન રાખ્યા અમને
વેવાણ: એટલે જ કહું છું મારી દીકરીને અપનાવી લો બધું જ સચવાઈ જશે
સૂર્ય પ્રભા:(દિવ્ય પ્રકાશ પાસે જઈને) મને તો કંઈ જ સમજાતું નથી હવે શું કરવું
દિવ્ય પ્રકાશ: તારા લાડનુ પરિણામ છે હવે તેને ભોગવે
 જ છૂટકો જા બેટા  ધનશ્રી તારા ભાઈ ને વધાવી લે (સૂર્યપ્રભા અને ધનશ્રી અંદર જાય છે કામવાળી બહાર આવે છે)
વેવાણ: હવે સમાજમાં બધાનું નામ રહી જશે
કામવાળી: (જતા જતા) તમારી દીકરી તો નામ નહિ બોણેને
વેવાણ: કામવાળા એ વચ્ચે નહીં બોલવાનું
કામવાળી: (પાછી વળીને)કામ વાળી છું પણ સાથે સાથે ઈજ્જત વાળી પણ છું
(ધનશ્રી અને સૂર્ય પ્રભા વધાવવાની સામગ્રી લઈને બહાર આવે છે )
વૈભવી: સાસુમા તમે જરાય ચિંતા ના કરો
વેવાણ: જોયા મારી દીકરીના સંસ્કાર
દિવ્યપ્રકાશ: એ તો વખત આવે  ખબર પડે
વૈભવી: મમ્મી  તું જા હું બધું સંભાળી લઈશ
વેવાણ: (વૈભવી નો હાથ પકડી સાઈડ પર લઈ જાય છે) જો બધું સંભાળી લેજે આપણા પ્લાનમાં ક્યાં આઘુ પાછું ન થાય કોઈ ભૂલ કરતી નહીં)
વૈભવી: મમ્મી હું તારી દીકરી છું
 તું ચિંતા ના કરીશ
(બધા ચૂપચાપ બેઠા છે વેવાણ જાય છે)
ધોબી:(રાગથી) કપડા લઈ આવી ગયો છું કપડાં લઈ લો (વૈભવ જોઈને) આ વળી નવી ફન્ટી ક્યાંથી આવી
કામવાળી: જીભ ઉપર લગામ રાખો ધરમસિંહ ધોબી ફન્ટી નથી આ તો આપણા નવા શેઠાણી છે
ધોબી: નવા નકોર છે
કામવાળી: હા તને કંઈ વાંધો છે તે હમણાં જ લગ્ન કરીને આવ્યા છે તારે બીજું કંઈ જાણવું છે
ધોબી: કંઈ નહીં પણ શેઠના તો લગ્ન થઈ ગયા પણ તારે ધોબણ બનવું છે
કામવાળી: શરમ કર શરમ (ધોબી જતો રહે છે)
સૂર્યપ્રભા: ધનશ્રી ભાભી ને અંદર લઈ જા(નણંદ-ભોજાઈ અંદર જાય છે)
દિવ્યપ્રકાશ: દેવ કાન ખોલીને સાંભળી લે તે ભૂલ કરી છે અમને ના ભોગવવી પડે
દેવ: મને કંઈક સમજાય એવું બોલો પપ્પા
સૂર્ય પ્રભા: જો તારી પત્ની ના કારણે અમને અને ધનશ્રીને ક્યારેય તકલીફ ન પડે તેનુ ધ્યાન તારે રાખવાનું છે
દેવ: હા મમ્મી એ મારી જવાબદારી હવે તો તું ખુશ છે ને
સૂર્ય પ્રભા: બેટા બાળકોની ખુશીમાં જ મા-બાપ ની ખુશી સમાયેલી છે
દિવ્ય પ્રકાશ: મા બાપની  ખુશી શામાં છે એ બાળકો ક્યારેય નથી વિચારતા
(બંને જણા અંદર જાય છે)
દેવ: વૈભવી ઓ વૈભવી
વૈભવી: બોલ શું કામ હતું
દેવ: જો હું ઓફિસે જાઉ છું તને છોડીને જવાનું તો બિલકુલ મન થતું નથી પણ હમણાં નવી નવી કંપની બદલી છે એટલે કામની થોડી વધારે ધમાલ રહે છે
ધનશ્રી: દેવ આજે તું ઓફિસે જવાનું રહેવા દે
(દેવ જાય છે)
વૈભવી: ધનશ્રી બેન દેવને જવા દો અને તમે પણ આરામ કરો હવે તમારે કોઈ કામની ચિંતા કરવાની જરૂર નથી
ધનશ્રી: કેમ કામની ચિંતા ના હોય આપણે બંને સાથે મળીને કામ કરીશું
કામવાળી: (આવે છે) બંને જણા મારા માટે કંઈક કામ રાખજો
ધનશ્રી: અંબા તારા માટે પણ ઘણું કામ છે અમે બંને રસોઈ બનાવી શું તું બીજું કામ કરજે ( કામવાળી ગીતો ગાતા ગાતા સફાઈ કરે છે)
વેવાણ: ક્યાં ગયા બધા કોઈ દેખાતું નથી
કામવાળી: ઓહો હો આવો વેવાણ આવો કોનું કામ હતું તે તમારે આટલામાં પાછું આવવું પડ્યું
વેવાણ: ગમે તેટલા માં પાછી આવી તારે શું?
કામવાળી: મારે કંઈ નહીં હો! ઉભા રહો ઉભો ના રહેવાય તો બેસી જાવ હું ભાભી ને બોલાવી લાવું (કામવાળી જાય છે બોલાવવા)
વેવાણ:(વેવાણ બેસે છે) ઘર તો સારું છે વર પણ ફસાયો છે દીકરી સુખી તો આપણે સુખી આપણો તો ભવ સુધરી ગયો
વૈભવી:(આવે છે) મમ્મી કેમ તું પાછી આવી
વેવાણ: બેટા! તારા હાથ શાનાવાળા છે
વૈભવી: એ તો હું લોટ બાંધતી હતી
વેવાણ: કામ કરવા પણ માંડી ગઈ
વૈભવી: કામ તો કરવું જ પડે ને પોતાના ઘરમાં કામ કરવામાં શું વાંધો
વેવાણ: આટલામાં  તો પોતાનું બોલી પડી તબિયત સાચવજે
વૈભવી: મમ્મી મને બરોબર છે
વેવાણ: બરોબર વાળી તું થોડી કામવાળી છે મારી દીકરી તો ઘરની રાણી છે રાણી
વૈભવી: મમ્મી રાણી જ છું તું મારી ચિંતા છોડ અને જા મારે કામ છે
વેવાણ: કામ છે વાળી ના જોઈ હોય તો મોટી. તું કામ કરીશ તો પેલી ઘરે બેઠી છે તારી નણંદ શું કરશે અને ઘરમાં વળી કામવાળી પણ છે
વૈભવી: મમ્મી ધનશ્રી પાસે થોડું બધું કામ કરાવાય
વેવાણ: કેમ ન કરાવાય! અહિંયા આખી જિંદગી તારે પાળવાની છે
વૈભવી:  મમ્મી  એનું પણ ઘર છે
વેવાણ: આટલી વારમાં આટલી બધી બદલાઈ ગઈ આટલું બધું ડાહ્યા થવાની કોઈ જરૂર નથી આખી જિંદગી ઢસેડાઈશ
વૈભવી: મમ્મી મને હવે તારી વાતમાં કોઈ રસ રહ્યો નથી મારું ઘર ના બગાડતી એક તો માંડ માંડ દેવના મમ્મી-પપ્પાએ મારો સ્વીકાર  કર્યો છે
વેવાણ: માંડ માંડ શાનો સ્વીકાર કર્યો છે ના કરે તો જાય ક્યાં અહીંયા આવ તને સમજાવું કાનમાં સમજી લેજે સાનમાં
(મા દીકરી કાનમાં વાત કરે છે)
વેવાણ: સમજી ગઈ હોશિયાર રહેજે મારા કરેલા ઉપર પાણી ના ફેરવતી બરાબર ધ્યાનથી કામ લેજે હું જાઉં છું (વેવાણ જાય છે વૈભવી ખુરશી ઉપર પગ ચડાવી બેઠી છે દેવ આવે છે)
દેવ: વૈભવી કેમ એકલી બેઠી છે (વૈભવી ના ખભા પર હાથ મૂકે છે)
વૈભવી:(દેવનો હાથ પકડીને) કાંઈ નહીં દેવ તને તો ખબર છે ને મારી તબિયત
દેવ: શું થયું વળી તારી તબિયતને આ હાથ શાનાવાળા છે
વૈભવી: આતો લોટ બાંધતી હતી ઘરનું કામ તો મારે જ કરવું પડે ને ઘરની વહુ છું તો
દેવ: તારા થી ના થાય તો રહેવા દે ને
વૈભવી: દેવ તું ના પાડે છે પણ ઘરમાં બધા તારા જેવા થોડા છે બધા બતાવે એ કામ તો મારે કરવું જ પડે ને
 દેવ: જો તારાથી ન થાય તો તું રહેવા દે તને કોઈ કંઈ જ નહિ કહે મમ્મી  અને બેન ને ખબર નહીં હોય કે તારી તબિયત સારી નથી
વૈભવી: તારી મમ્મીએ જ આ બધું કામ કરવાનું કહ્યું હતું
દેવ: તે મમ્મી ને કહ્યું હતું તારી તબિયત સારી નથી
સૂર્ય પ્રભા:(અંદરથી બોલે છે) દેવ આવી ગયો બેટા તો ચાલો તું અને વૈભવી જમવા બેસી જાવ
 વૈભવી: બધું કામ મારી પાસે કરાવી હવે તું આવ્યો એટલે ડાહ્યા થાય છે
દેવ: એ જે હો એ હવે ચાલ આપણે  જમી લઈએ
વૈભવી: મારે નથી જમવુ
સૂર્ય પ્રભા:(અંદરથી આવે છે) કેમ નથી જમવું બેટા તબિયત ખરાબ છે કે શું
દેવ: મમ્મી એની તબિયત ખરાબ છે કામ કરીને થાકી ગઈ છે
સૂર્ય પ્રભા: જો બેટા તારી તબિયત સારી ના હોય તો તારે અમને કહી દેવાનું હું અને ધનશ્રી છીએ અને વળી અંબા પણ બધું જ કામ સરસ કરી લે છે આવા દિવસો માં ભૂખ્યા રહેવું સારું નહીં જમીલે પછી આરામ કરજે કાલે તું કંઈ જ કામના કરતી
વૈભવી: પરમ દિવસે તો પાછું કરવું જ પડશે ને
સૂર્ય પ્રભા: ઘરના કામ કર્યા વગર કેમ ચાલે તબિયત નરમ-ગરમ હોય ત્યારે નહીં કરવાનું કંઈ વાંધો નહીં અને જો બેટા આવા દિવસો માં શરીરને સંપૂર્ણ આરામ ન અપાય  અને વધારે પડતું કામ પણ ના કરાય
વૈભવી: જો દેવ સાંભળ્યું ને કેવું બોલે છે પણ અંદર તો કડવાસ ભરી છે
દેવ: જે મોમા આવે તે બોલવું યોગ્ય  નથી
વૈભવી: કેમ ન બોલવું (મોં બગાડી અંદર જતી રહે છે)
સૂર્ય પ્રભા: દેવ વૈભવી અમારી સાથે શેટ કઈ રીતે થશે મને તો મારી દીકરીની ચિંતા થાય છે
દેવ: મમ્મી તું ચિંતા ના કરીશ હું તને સમજાવીશ (અંદર જાય છે) વૈભવી ઓ વૈભવી
(સૂર્યપ્રભા કપાળે હાથ દઈ બેઠી છે કામવાળી આવે છે)
કામવાળી: શું થયું છે શેઠાણીબા
સૂર્ય પ્રભા: કંઈ નહિ અંબા
કામવાળી: આટલા દિવસથી તમારી સાથે રહું છું ને તમે કંઈક મારાથી છુપાવો એ મને ખબર ન પડે ભાભીએ કંઈ કીધું
સૂર્ય પ્રભા:(આંસુ લુછતા) અંબા વૈભવી આપણી સાથે સેટ થાય તેવું મને લાગતું નથી
દિવ્ય પ્રકાશ:(આવે છે) તેમાં વૈભવી નો વાંક નથી તેનું આખું ખાનદાન જ એવું છે બાપ જુગારી હોય એની દીકરી કેવી હોય? એને અપનાવી ને આપણી મોટી ભૂલ કરી છે પણ આપણે કરીએ પણ શું આપણા લોટમાં જ કાંકરા હોય તો બીજાને શું કહેવાનું
સૂર્ય પ્રભા: દેવે જ આપણા હાથ ભાંગી નાખ્યા છે
કામવાળી: શેઠાણી બા તમે ચિંતા ન કરો સૌ સારાવાના થઈ જશે
(દેવ અને વૈભવી બહાર આવે છે દેવ મમ્મીની બાજુમાં બેસે છે)
દેવ: પપ્પા મારે તમને એક વાત કરવી છે
દિવ્ય પ્રકાશ: શું છે? બોલી દે જે હોય તે
દેવ: પપ્પા વૈભવની ઈચ્છા
દિવ્ય પ્રકાશ: શું છે વૈભવી ની ઈચ્છા જણાવી દે એટલે પૂરી થાય બોલ વૈભવી
વૈભવી: પપ્પાજી હું અને દેવ અલગ રહેવાનું વિચારીએ છીએ
સૂર્ય પ્રભા: કેમ? ભેગાં રહેવામાં શું વાંધો છે ઘરમાં ચાર જણ છીએ એમાંય ભાગલા
વૈભવી: સાસુમા મને તમારા બધાની સાથે રહેવાનું નહીં ફાવે હું અને દેવ એકલા રહીશું એ જ મને સૌથી વધુ ગમશે
દિવ્ય પ્રકાશ: રહેવા દે સૂર્યપ્રભા
(ગુસ્સે થઈને) આપણે કંઈ જ બોલવાની જરૂર નથી હજુ તો આગળ કેવા દિવસો આવશે
દેવ: પપ્પા તમને શું વાંધો છે સૂર્ય પ્રભા: કેમ વાંધો ના હોય ખબર નથી હે ભગવાન આના કારણે અમારી સાથે શું શું થશે તું અમને શક્તિ આપજે હજુ તો અમારે કેવા દિવસો જોવાના છે
        વર્ષા જે. લીંબાણી ✍🏻

No comments:

Post a Comment